અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક માંગ સામે આ નેનો ટેકનોલોજીથી ઉત્પાદિત લિક્વિડ યુરિયા ખેડૂતો માટે યુરિયાની ઉપલબ્ધિ સરળ બનાવશે. કૃષિ અને ગ્રામીણ સંસ્કૃતિ ધરાવતા આપણા ભારત રાષ્ટ્રની કૃષિ સમૃદ્ધિથી જ ખેતી અને ખેડૂત સમૃદ્ધ બનશે. જો ખેતી સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ અને શહેરો સમૃદ્ધ તો સમગ્ર રાજ્ય, અર્થતંત્ર સમૃદ્ધ રહેશે.
તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ખેતી-ખેડૂતની ઉપેક્ષા થતી રહી, યુરિયાના કાળાબજાર થતા હતા અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઇ આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા. પહેલા યૂરિયાનો ઉપયોગ પાકમાં ઓછો અને ઉદ્યોગોમાં વધુ થતો હતો જેના કારણે ખેડૂતોને યુરિયા સમયસર મળતું નહોતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રએ ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન કર્યું અને યૂરિયાને નીમ કોટેડ કરી દીધુ જેથી ફ્કત પાક માટે ખેતીમાં જ તેનો ઉપયોગ થઇ શકે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશભરમાં ગુજરાતે પ્રથમવાર એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. તાઉતે વાવાઝોડા બાદ નારિયેળ, કેરી આંબા, લીંબુ તેમજ જામફળ જેવા વૃક્ષ પડી ગયા હોય એ જ જગ્યા પર ફરી તેને લગાવીને પુન:જીવિત કરવામાં આવશે. એટલું જ નહીં, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકોની પણ આ કામમાં મદદ લેવામાં આવી રહી છે. હવે ખેડૂતોને સબસિડી વાળા યુરિયાથી ૧૦ ટકા ઓછી કિંમતે ઇફ્કો દ્વારા આ નેનો યુરિયા ઉપલબ્ધ થશે જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થવા સાથે જમીનમાં થયેલું અસંતુલન દૂર થવામાં પણ મદદ મળશે.