- 100 અબજ ડોલરના ખર્ચે બનશે ચીપ નિર્માણ કોમ્પલેક્સ
- વિશ્વનું સૌથી મોટું ચીપ નિર્માણ કોમ્પલેક્સ
- હાલ વિશ્વમાં સેમિકન્ડક્ટરની અછત
દિલ્હી: હાલ સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટરની અછત ચાલી રહી છે. જેની અસર સ્માર્ટ ફોટથી લઇને કાર પર જોવા મળી રહી છે. આવામાં હવે ઈન્ટેલ કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટેલ 100 અબજ ડોલરનું રોકાણ કરીને ઓહિયોમાં વિશ્વનું સૌથી મોટું ચીપ બનાવવા માટેનું કોમ્પલેક્સ ઉભું કરશે.
ઇન્ટેલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(સીઇઓ) પેટ ગેલસિંગરે નવી નીતિ બનાવી છે. આ નવી નીતિ હેઠળ ઇન્ટેલ ચીપ માટે એશિયન દેશો પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. ઉલ્લેખનીય છે કે ઇન્ટેલને ચીપ માટે એશિયન દેશો પર આધાર રાખવો પડે છે.
ગેલસિન્ગરના જણાવ્યા અનુસાર 1000 એકર જમીનમાં શરૂઆતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે જેના કારણે 3000 નોકરીઓનું સર્જન થશે. તબક્કાવાર રીતે આઠ ફેબ્રીકેશન પ્લાન્ટમાં કુલ 100 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. ઓહિયોમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ હશે.આ સાથે જ ઓહિયોનું આ પ્લાન્ટ વિશ્વનું સૌથી મોટું ચીપ નિર્માતા સ્થળ બની જશે. જો કે આ કોમ્પલેક્સ તૈયાર કરવામાં વર્ષો લાગશે અને તેના કારણે હાલના ચિપના નિર્માતાઓ પર ખાસ કોઇ અસર પડશે નહીં.