અમદાવાદઃ શહેરમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નવનિર્માણ અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ જ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાળ સંભાળી રહ્યાં હતા તે સમયે તેઓ જીસીએ સાથે પણ સંકળાયેલા હતા. આ સમયગાળામાં જ મોટેરા સ્ટેડિયમના નિર્માણનો નિર્ણય લેવાયો હતો.
અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમના ઉદ્ઘાટન પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજિજુ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી અને જીસીએના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, ગુજરાત માટે એવુ કહેવાતું હતું કે, ગુજરાતીઓ રમત ગમતમાં રસ નથી તેમને માત્ર ધંધા રોજગાર અને રૂપિયા કમાવવામાં જ રસ હોય છે. પરંતુ આ વાત હવે ખોટી પૂરવાર થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 2,48,714 ચોરસ મીટર જેટલા મોટા સ્ટેડીયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ આપવામાં ગૌરવ અનુભવાય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં 11 પીચ અને 4 ડ્રેસિગ રૂમ છે. સરદાર સ્પોર્ટસ એન્કલવ કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમત રમાતી હશે તે વિશ્વકક્ષાની હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ ટેસ્ટ મેચને લઈને અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.