અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં ભાવનગર-દહેજ વચ્ચે 30 કિમીનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ડેમની મહત્તમ ઊંચાઈ લગભગ 5 મીટર રાખવામાં આવશે. વિશાળ જળાશયમાં લગભગ 77,700 લાખ ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે. જેમાંથી 56 લાખ ઘનમીટર ખેડૂતોને સિંચાઈ માટે, 8000 લાખ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે અને 4700 લાખ ઘનમીટર પાણીનો જથ્થો ઉદ્યોગોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર યોજના પાછળ 92 હજાર કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અહીં 13 જેટલા પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે અને હવે રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેક્નોલોજી – એનઆઈઓટીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કામ સોંપી રહી છે, જે આવ્યા બાદ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કલ્પસર યોજનામાં કુલ 33 અભ્યાસ અહેવાલો પૈકી 28 પૂર્ણ થઈ ગયા છે અને બાકીના પાંચ પણ હવે પૂરા થવાને આરે છે, એટલે એનઆઈઓટીને ડીપીઆર માટે એપ્રોચ કરાયો છે, એની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ ડીપીઆરનું કામ તેના દ્વારા શરૂ થશે અને એ રિપોર્ટ આવ્યા પછી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાશે. તેમજ 2021-22ના રાજ્ય સરકારના બજેટમાં આ પ્રોજેક્ટ માટે મોટાપાયે નાણાકીય આયોજન થાય તેવી શક્યતા છે.