વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા ભારતના હિમાચલપ્રદેશમાં, 1890માં થયો હતો જન્મ
દિલ્હીઃ ગિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર જાપાનમાં 118 વર્ષના કેન તનાકા દુનિયાના સૌથી વૃદ્ધ મહિલા છે. જો કે, ભારતમાં તેમનાથી પણ વધારે ઉંમરના વૃદ્ધા હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 130 વર્ષના વૃદ્ધ મહિલા રહે છે. તેમના આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1890 દર્શાવવામાં આવ્યું છે. જેથી સ્થાનિક તંત્ર દ્વારા તેમની ઉંમર સાથે જોડાયેલા તથ્યોની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિલાસપુરના ઘુમારવીના પપલાહ ગામમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં મંશા દેવી નામના એક વૃદ્ધા મતદાન કરવા આવ્યા હતા. મતદાન કેન્દ્ર ઉપસ્થિત કર્મચારીઓ તેમની ઉંમર જાણીને ચોંકી ઉઠ્યાં હતા. આ મહિલાના આધારકાર્ડ ઉપર જન્મ વર્ષ 1890 દર્શાવવામાં આવ્યું છે. આ વૃદ્ધાના ઘરમાં કોઈ વધારે ભણેલુ નહીં હોવાથી તેમની ઉંમરને લઈને કોઈ ચોખવટ કરી શકયા ન હતા. જો કે, આ વૃદ્ધાને ચાર સંતાનો હતા જેમાંથી બેના મૃત્યુ થઈ ચુક્યાં છે.
બિલાસપુર જિલ્લાના કલેક્ટરે જણાવ્યું હતું કે, તપાસ બાદ જો મંશા દેવીની ઉંમર સાચી નીકળી તો તેઓ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરી શકશે. એક-બે દિવસમાં જ મહિલાની ઉંમર સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વની સૌથી વૃદ્ધ મહિલા રશિયાની જીન કેલિમેન્ટ હતા જેમનું વર્ષ 1997માં 122 વર્ષની ઉંમરે નિધન થયું હતું. અત્યારે ગિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જાપાનની કેન તનાકા (118 વર્ષ) સૌથી વૃધ્ધ મહિલા તરીકે નોંધાયેલા છે.