Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના બે પ્લોટ્સ પરના વર્ષો જુના દબાણો આખરે હટાવાયા

Social Share

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના બે કિંમતી પ્લોટ્સમાં વર્ષોથી દબાણો થયેલા હતા. મ્યુનિ. દ્વારા અપાતી નોટિસોને પણ દબાણ કર્તાઓ ગણકારતા નહતા. એટલું જ નહીં ગેરકાયદે પાકા બાંધકામો પણ કરી દેવામાં આવ્યા હતા. આખરે મ્યુનિ.ના કિંમતી પ્લોટ્સ પરથી દબાણો હટાવાયા હતા. હવે આ બન્ને કિંમતી પ્લોટ્સ પર ફરીવાર દબાણો ન થાય તે અંગે તકેદારી રાખવી પડશે.

ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલા દેવુમાના મંદિર પાછળ બીએમસી હસ્તકના છ પૈકી બે પ્લોટમાં લાંબા સમયથી ભૂ-માફિયાઓએ કબ્જો વાળી પાક્કા દબાણો ચણી લેતાં એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી સાથે સ્થળપર ત્રાટકી હતી. ટીમે દબાણોનો સંપૂર્ણ સફાયો કરી જમીનનો કબ્જો હસ્તગત કર્યો છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં બીએમસી માલિકીના સેંકડો પ્લોટ તથા જમીનો આવેલી છે, તંત્ર આવી જમીન-પ્લોટની દરકાર લેવાનું ભૂલી જતાં આસામીઓ આવા ખાલી પડેલા પ્લોટ તથા મેદાનો પર ગેરકાયદે કબ્જો વાળી ભોગવટો કરી દેતા હાય છે, આવાં જ એક વિસ્તારમાં ભૂ-માફીયાઓ એ સરકારી જમીન પચાવી પાડી હોવાની વાત ધ્યાનમાં આવતા મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા પ્લોટ પરના ગેરકાયદે કબ્જો ખાલી કરવા ડિમોલિશન હાથ ધરાયુ હતું.

ભાવનગર મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ સરદારનગર વિસ્તારમાં દેવુમાના મંદિર પાછળ કંસારાના કાંઠે આવેલાં છે આ છ પૈકી બે પ્લોટનં-1767 તથા 1768 ની લગભગ 3400વારની જગ્યામાં પાક્કા મકાન દીવાલ સહિતના દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જે અંગે ની જાણ એસ્ટેટ વિભાગને થતાં અધિકારીઓ સહિતનો કાફલો સ્થળપર દોડી આવ્યો હતો અને મકાન સહિતના દબાણો તોડી પાડ્યાં હતા અને બંને પ્લોટનો કબ્જો બીએમસી હસ્તક લીધો હતો અત્રે ઉલ્લેખનીય છેકે આ પ્લોટની કિંમત પણ આજે લાખો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.