Site icon Revoi.in

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાનેથી સોમવારે યોગદિનની ઊજવણીનો પ્રારંભ કરાશે

Social Share

ગાંધીનગરઃ દેશભરમાં આવતીકાલ તા. 21મીજુનને સોમવારે વિશ્વ યોગ દિન મનાવાશે. ગુજરાતમાં પણ યોગ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી સવારે 11 વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે. હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ થીમ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 14મીથી 20મી, જૂન સુધી યોગ સપ્તાહનું આયોજન કરાયું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ સપ્તાહ દરમિયાન 21000 યોગ ટ્રેનરો તૈયાર કરાયા છે. જે પૈકી આવતીકાલે તા.21મીએ વિશ્વ યોગ દિવસે સવારના 11 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સફળ યોગ કોચ, યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરાશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલા 20 યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર અપાશે. જેમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં રમતગમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, યોગ બોર્ડના સભ્યો અને વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ઉપસ્થિત રહેશે.