અમદાવાદઃ દેશમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમનો સૌથી વધારે ફાયદો ઉઠાવવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વર્ષ 2019-2020માં આ યોજના સમગ્ર દેશમાં 3694 કરોડ રૂપિયા યુવાનોને રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવ્યા છે. ગુજરાતમાં યુવાનોએ સૌથી વધારે 722 કરોડ રૂપિયાની મદદથી બેરોજગારી દૂર કરતા પોતાનો વ્યવસાય ઉભો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજનાનો લાભ લેવામાં ગુજરાતના યુવાનો સૌથી અગ્રેસર છે. આ ઉપરાંત બીજા નંબર ઉપર ઉત્તરપ્રદેશ, ત્રીજા નંબરે તમિલનાડુ, ચોથા નંબર પર જમ્મુ-કાશ્મીર અને પાંચમા નંબર ઉપર રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી, ચંડીગઢ, સિક્કિમ, પુડુચેરી, દમણ-દીવ, દાદરા નગર હવેલીના યુવાનોએ રૂ. 350 કરોડની સહાયથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આ યોજના હેઠળ બે વર્ષમાં સાત હજાર કરોડથી પણ વધારેનું ફંડ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને આપ્યું છે.
વર્ષ 2018-19માં રૂ. 3306.60 કરોડ અને 2019-2020માં તે 3694.48 કરોડ સુધીની સહાય કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના બેરોજગાર યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે 10 રૂપિયાથી લઈને 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ઓપન કેટેગરીમાં બેરોજગાર યુવાનને ગ્રામિણ વિભાગમાં ઉદ્યોગ શરૂ કરવા માટે 25 ટકા સબસીડી અને શહેરી વિભાગમાં 15 ટકા સબસીડી આપવામાં આવે છે. સ્પેશ્યિલ કેટેગરીમાં ઓબિસી, એક્સ સર્વિસમેનના વ્યક્તિને ગ્રામિણ વિભાગમાં ઉદ્યોગ શરૂ કરવા માટે 35 ટકા સબસીડી અને શહેરી વિભાગમાં આ લોકોને 25 ટકા સબસીડી આપવામાં આવે છે.