Site icon Revoi.in

ગુજરાતમાં પઠાન ફિલ્મ દર્શાવવા થિયેટરોના માલિકોએ માગ્યું પોલીસ રક્ષણ, CMને કરી રજુઆત

Social Share

અમદાવાદઃ પઠાણ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોને લીધે વિવાદ ઊભો થયો હતો. આખરે સેન્સર બોર્ડ કેટલાક સિન કાપવાની સુચના આપ્યા બાદ ફિલ્મને મંજુરી આપતા પઠાન ફિલ્મ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહથી સિનેમાઘરોમાં દર્શાવાશે. ત્યારે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશને સરકાર પાસે પોલીસ રક્ષણ માંગ્યુ છે. અને આ અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પઠાણ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. જેમાં અમદાવાદના મલ્ટીપ્લેકમાં પઠાન ફિલ્મના પોસ્ટરો લાગ્યા હતા. ત્યારે ફિલ્મના રિલીઝને લઈને બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ફિલ્મ અમે ગુજરાતમાં રિલીઝ નહી થવા દઈએ. જે બાદ મલ્ટિપ્લેક્સના માલિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના અધ્યક્ષ મનુભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક આવેદન પત્ર સોંપ્યું છે અને સિનેમા હોલોની સુરક્ષાના સંદર્ભમાં પોતાની રજૂઆત કરી હતી.

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સિનેમાઘરોમાં જે પણ ફિલ્મો રજૂ થાય છે તેને પહેલાં સેન્સર બોર્ડ પાસ કરે છે અને પછી તેને રિલીઝ કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં કેટલાંક સંગઠન પઠાન મૂવીના રિલીઝ પર થિયેટરમાં હુમલો કરવાની અને સુરક્ષા સંબંધિત ધમકીઓ આપી રહી છે. આ સ્થિતિને જોતા મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ગુજરાતે આ પત્ર સીએમ અને ગુજરાતના રાજ્ય મંત્રીને લખ્યો છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધુ કે આડકતરી રીતે મૌખિક અને લેખિતમાં ધમકીઓ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રીને લખવામાં આવેલા પત્રમાં એસોસિએશન દ્વારા તેમને સુરક્ષા આપવામાં આવે એવી પણ માગ કરી છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, થિયેટરોમાં જે પણ મૂવી રજૂ થાય છે એ મૂવીને પહેલાં સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવે છે. ત્યારબાદ જ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થતી હોય છે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પઠાણ ફિલ્મને લઈ કેટલાંક સંગઠનો દ્વારા પોતાના એજન્ડાઓને લઈ મલ્ટિપ્લેક્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ દ્વારા થિયેટર માલિકોને ધમકી પણ આપવામાં આવી રહી છે. જેથી મલ્ટિપ્લેક્સના માલિકોને પોતાની પ્રોપર્ટીનું નુકસાન થાય એવી પણ ભીતિ છે.  સીએમને લખેલા પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે. મલ્ટિપ્લેક્સ એક વ્યવસાયનો પ્રકારનો છે અને સિનેમા ઓપરેટરો દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તેઓને પોતાનો વ્યવસાય કરવાનો સંપૂર્ણપણે અધિકાર છે. જેથી તમને વિનંતી કરવામાં આવે છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે.