Site icon Revoi.in

ભુજ-ભચાઉ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, સાંસદની રજુઆત પણ અધિકારીઓ સાંભળતા નથી

Social Share

ભૂજ :  કચ્છના હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. જેમાં કેટલાક સ્થળોએ હાઈવેની હાલત ખૂબજ બદતર છે. ભૂજથી ભચાઉ વાયા દુધઈનો  હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે. આ હાઈવે જર્જરિત અવસ્થામાં છે. અને વાહનચાલકો પરેશાન બની ગયા છે. હાઈવે પર ઊંડા ખાડાં ઠેર ઠેર પડી ગયા છે. આ હાઈવેને ત્વરિત મરામત કરવામાં આવે તેવી સાંસદ વિનોગ ચાવડાએ માગ કરી હતી છતાં પણ અધિકારીઓને હાઈવેને મરામત કરવાની ફુરસદ મળતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કચ્છના સાંસદ અને ધારાસભ્યોએ ભૂજ-ભચાઉ હાઈવેનો પ્રશ્ન ઉઠાવીને હાઈવેને ક્યારે મરામત કરાશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. ના અધિકારીઓ સાથે કામગીરી પ્રગતિ બાબતે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાભ્યોએ સમીક્ષા કરી ગંભીરતાપૂર્વક ઝડપથી કામગીરીના  ઉકેલ માટે સુચનો કર્યા હતા.

અગાઉ પણ ભૂજ-ભચાઉ હાઈવેનો પ્રશ્ન સાંસદે ઉઠાવ્યો હતો ત્યારે  સાંસદ ચાવડાને આ  રોડ કામગીરી ડિસેમ્બર-2021 સુધી પૂર્ણતાની ખાતરી આપી હતી. આમ છતાં હજુ પણ કામગીરી શરૂ કરવામાં નથી આવી અને પરિસ્થિતિ `જૈસે થે’ જેવી જ છે. ચાંદ્રાણી આયુકેમ્પથી ભચાઉના નવાગામ સુધીનો આ રાજ્ય ધોરીમાર્ગની હાલત ખૂબ દયનીય છે. રોડ પર ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે. વાહનચાલકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે.

શેખપીરથી લઈને ભચાઉ સુધીના આ ધોરીમાર્ગ આજુબાજુના વિસ્તારોમાં અનેક કંપનીઓ આવેલી છે. અને હાઈવે પર આવતા તમામ ગામોને રોજી રોટી પુરી પાડે છે. આ માર્ગ પર શેખપીરથી ભચાઉ સુધી 20થી 25 પેટ્રોલ પમ્પો સાથે 40થી 50 નાની મોટી હોટલો સાથે 100થી વધારે કંપનીઓ ધમધમી રહી છે. ભુજ ભચાઉ વાયા દુધઈ હાઈવે અમદાવાદ, રાજકોટ, રાપર, ધોળાવીરા જવા માટે શોર્ટકટ હોવાથી આ રસ્તા પર ભારે વાહનો સાથે પર્યટકોની પણ સતત અવર-જવર રહે છે. આ રસ્તા પર ઓવરલોડ વાહનો જેવા કે પવનચક્કીની મશીનરી સાથે આ રસ્તા પર ધમધમતા ઉદ્યોગોની મશીનરી પણ તોતીંગ વાહનોમાં પસાર થાય છે માટે તંત્ર જાગે અને આ ભુજ-ભચાઉ હાઈવે માટે આળસ ખંખેરીને કામકાજ શરૂ થાય તેવી આજુબાજુ ગામના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.