ભાવનગરઃ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગના રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળ્યાં છે. શહેરમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી વરસાદી પાણી રોડ પર ભરાતા વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઝડપથી રોડ રસ્તા રીપેર કરવામાં આવે તેવી લોકોએ મહાનગર પાલિકા પાસે માંગ કરી હતી. ચોમાસાની સિઝન દરમિયાન ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોડ રસ્તાઓ બિસ્માર બન્યાં છે.
ભાવનગરમાં રોડ-રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે. શહેરમાં પ્રથમ વરસાદમાં ઘણાબધા વિસ્તારોમાં રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. બિસ્માર રસ્તાઓને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો સત્તાધિશો સામે આક્ષેપ કર્યા હતા. હાલમાં પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના લીધે વરસાદી પાણી રોડ પર ભરાયા હતા. આ બિસ્માર રસ્તાઓને લઈને મહાનગરપાલિકા દ્વારા આજ સુધી કોઈપણ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવ્યાં નથી. તેમજ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કુંભારવાડા પાસે આવેલા અલકા ટોકીઝથી ફાટક સુધીના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, આ રોડ પરથી પસાર થવામાં વાહન ચાલકોને અને રાહદારીઓને ઘણી તકલીફ પડે છે.