Site icon Revoi.in

અમદાવાદમાં 310 શાળા પાસે ધો. 11ના વર્ગો નથીઃ માસ પ્રમોશનથી પ્રવેશનો પ્રશ્ન મુશ્કેલભર્યો બનશે

Social Share

અમદાવાદઃ ધોરણ 10માં માસ પ્રમોશન આપાતા હવે ધોરણ 11માં પ્રવેશનો પ્રશ્ન ઊભો થશે. કારણ કે, ઘણી શાળાઓમાં ધોરણ 10 સુધીના વર્ગો છે. એટલે આવા વિદ્યાર્થીઓને પ્રવેશનો મોટો પ્રશ્ન ઊભો થશે. અમદાવાદમાં 310 સ્કૂલો પાસે માત્ર ધોરણ 10 સુધીની જ મંજૂરી છે, ધો. 11-12ની મંજૂરી નથી. જો દરેક સ્કૂલમાં એક વર્ગમાં નિયમ પ્રમાણે 60 વિદ્યાર્થી ગણીએ તો 19 હજાર વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી કેવી રીતે સમાવવા તે સૌથી મોટો પ્રશ્ન છે. ધો. 9થી 12ની સ્કૂલોના સંચાલકો હાલમાં પોતાના જ વિદ્યાર્થીઓને ધો.11માં પ્રાથમિકતા આપશે, ત્યારબાદ જો ખાલી જગા હશે તો અન્ય વિદ્યાર્થીને પ્રવેશ આપશે. જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસના સૂત્રો અનુસાર, મોટાભાગની સ્કૂલ પાસે ધો.10ની કુલ સીટોની સામે ધો.11ની સીટોની સંખ્યા ઓછી છે. તેથી આ સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને ધો.11ના પ્રવેશમાં મુશ્કેલી ઉભી થશે.

ધોરણ-11માં પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થશે તે માટે શું કરવું કે અંગે સરકાર વિચારી રહી છે. ધો.10માં માસ પ્રમોશન બાદ ધો.11માં પ્રવેશ અંગેનો પ્રશ્ન વાલી-સંચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કારણ કે ધો.10ના વિદ્યાર્થીઓની સામે પ્રવેશ સીટોની સંખ્યા ઓછી છે. આ સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવા શક્ય નથી. શહેરમાં 310 જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 100 જેટલી સ્કૂલો પાસે ધો.11-12 નથી. સંચાલકોના મતે, હાલની સ્થિતિમાં સ્કૂલોને જો વર્ગ વધારાની મંજૂરી અપાય તો પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમય લાગશે, ઉપરાંત વિદ્યાર્થીઓની વધારે સંખ્યા માત્ર બે વર્ષ પૂરતી હોવાથી સંચાલકો પણ ખર્ચ કરશે નહીં. આ સ્થિતિમાં સરકારે જ એક સ્પષ્ટ પોલિસી તૈયાર કરવી પડશે. સ્કૂલ સંચાલકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમુક સંચાલક ઇચ્છે છે કે નબળા વિદ્યાર્થીઓને પોતાને ત્યાં એડમિશન ન અપાય. કારણ કે નબળા વિદ્યાર્થીઓ ધો.12માં પોતાની સ્કૂલનું પરિણામ અને પ્રતિષ્ઠા ઘટાડશે. જેની સીધી અસર નવા વર્ષના એડમિશન પર થશે. આ સ્થિતિમાં ઘણી સ્કૂલો પોતાના જ નબળા વિદ્યાર્થીઓને સમાવવા તૈયાર નથી.