ભૂજઃ કચ્છના ઘોરાડ અભ્યારણ્યમાં ઘોરાડ પક્ષીઓ કેટલા તે પ્રશ્ન સદાય અનુત્તર રહ્યો હતો, પણ અંતે કેન્દ્રિય વન મંત્રાલયે કચ્છમાં માત્ર ચાર જ ઘોરાડ પક્ષી બચ્યા હોવાનો રાજ્યસભામાં સ્વીકાર કર્યો હતો. જો કે છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરાઈ હતી તે મુદ્દે વનમંત્રાલયે મૌન સેવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, કચ્છમાં ચાર ઘોરાડ પક્ષી હાલ જોવા મળી રહ્યા છે. જો કે છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરાઈ હતી તે મુદ્દે વનમંત્રાલયએ સંયુક્ત જવાબ આપી મૂળ મુદ્દો ટાળ્યો હતો. ત્યારબાદ આ પક્ષીઓના સંરક્ષણ માટે લેવાયેલા પગલાં અંતર્ગત રાજસ્થાનમાં સ્થપાયેલું કેપ્ટીવ બ્રીડીંગ સેન્ટર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ-1 માં સમાવેશ, તેના નિવાસસ્થાનોનો રાષ્ટ્રીય અભ્યારણ્ય અને ઉદ્યાનમાં સમાવેશ સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલય જુલાઈ 2021માં પૂછેલા પ્રશ્નો મુદ્દે તે સમયે પર્યાવરણ, વન અને ચેન્જના મિનિસ્ટર ઓફ સ્ટેટ અશ્વિની કુમાર ચોબેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં 1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ એક પણ ઘોરાડ નથી. જેથી બાકીના બે પ્રશ્નો આપમેળે અનુત્તર થઇ ગયા હતા.જો કે 10 ફેબ્રુઆરી 2022માં અચાનક જ કચ્છમાં 4 ઘોરાડ હોવાની માહિતી રાજ્યમંત્રી દ્વારા અપાઈ હતી. જો કે તે સમયે અભ્યારણ્ય મુદ્દે માત્ર જવાબ અપાયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનથી નર ઘોરાડ લાવવા તત્કાલીન સીએમ વિજય રૂપાણી દ્વારા ઓગસ્ટ 2019માં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ગાંધીનગર મધ્યે મળેલી બેઠકમાં આદેશ કરાયો હતો,પણ ગુજરાતના વન વિભાગે રાજસ્થાન સરકારને પ્રસ્તાવ મોકલ્યો નહતો. દરમિયાન રાજય વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે,ભવિષ્યમાં કેપ્ટીવ બ્રીડીંગ સેન્ટરમાં ઉછરેલા નર ઘોરાડ કચ્છ મૂકાય તેવી શક્યતા છે,પણ પ્રાયોગિક ધોરણે ચાર વર્ષનો સમયગાળો લાગી શકે છે.ત્યાં સુધી માંડ માંડ બચેલી ચાર માદા ઘોરાડને બચાવવી એ વનવિભાગ માટે અગત્યનું સાબિત થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છમાં પવનચક્કીઓ, વીજલાઇન પક્ષીઓ માટે ભયરૂપ સાબીત થઈ રહી છે. ભવિષ્યમાં બચેલા ચાર ઘોરાડના સંરક્ષણ માટે વનવિભાગે બીટગાર્ડથી લઈને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ સહિત તમામ સ્તરે તકેદારી રાખવી પડશે,નહિતર કચ્છ ઘોરાડને ખોઈ બેસશે. વર્ષ 2007માં ઘોરાડની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી,જેમાં 48 ઘોરાડ કચ્છમાં હોવાનો સત્તાવાર આંકડો જે-તે સમયે જાહેર કરાયો હતો.વર્ષ 2018માં સચિવાલાયની બેઠકમાં કચ્છના અબડાસામાં માત્ર 20 ઘોરાડ હોવાનો આંકડો રજૂ કરાયો હતો.જો કે તાજેતરમાં માત્ર વસ્તીનો અંદાજ કરાયો હતો,પણ વનવિભાગે 15 વર્ષમાં ઘોરાડની વસ્તી ગણતરી ના કોઈજ સત્તાવાર આંકડા જાહેર નથી કર્યા.