- ઈમેલ મારફતે ચાર હોસ્પિટલોને ધમકી આપવામાં આવી
- સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની
- હોસ્પિટલમાં પોલીસ દ્વારા કરાઈ તપાસ
- સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં કેટલીક સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યાનો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ તપાસ દરમિયાન સ્કૂલોમાંથી કંઈ વાંધાજનક મળી ના આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે દિલ્હીની કેટલીક હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને દીપ ચંદ્ર બંધુ હોસ્પિટલમાં બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યા હતા. જેથી પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડતી ગયું હતું. તેમજ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીને પગલે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભય ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હીની 20 હોસ્પિટલો, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ થોડા દિવસો પહેલા ઈમેલ મારફતે સ્કુલોમાં બોમ્બ હોવાની નનામી ધમકી મળી હતી. આમ દેશના વિવિધ શહેરો અને નગરોમાં સ્કૂલો સહિતના જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે અને ધમકી આપનારા શખ્સોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.