Site icon Revoi.in

રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

Social Share

રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા  જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં પણ 1-1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

રાજકોટ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં અને ઠંડા પવનો ફુકાતાં શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મ્યુનિ.ના ચોપડે વિવિધ રોગોનાં 1668 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1239 કેસ, ઝાડા-ઊલટીનાં અગાઉનાં 251 કેસ સામે ગત સપ્તાહે 264 કેસ નોંધાયા છે. તો સામાન્ય તાવનાં અગાઉનાં 144 કેસ સામે ગત સપ્તાહે 163 કેસ નોંધાયા છે. ગત સપ્તાહની સરખામણીએ ઝાડા-ઊલટી તેમજ સામાન્ય તાવનાં કેસોમાં મોટો વધારો નોંધાયો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ 1 અને ચિકનગુનિયા 1 કેસ નોંધાયા છે.

આરએમસીના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા તારીખ 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન 12,982 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 903 જેટલા ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજે 1286 પ્રીમાઈસીસ રહેણાંકમાં 343 તો કોર્મશીયલમાં 86 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી. (File photo)