દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યની પુરતી સુવિધા નથી. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પુરતો તબીબી સ્ટાફ નથી તેથી લોકોને ના છૂટકે ખાનગી ગવાખાનામાં સારવાર લેવા જવાની ફરજ પડી રહી છે. દ્વારકા તાલુકાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ અને મેડિકલ સામગ્રીઓ તો છે પરંતુ પૂરતા તબીબો નથી. જિલ્લાના અન્ય સરકારી હોસ્પિટલોની પણ આવી જ હાલત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચારધામ પૈકીનું એક ધામ એટલે દ્વારકા. દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. 42 ગામોની વસતી માટે એક દ્વારકામાં સિવિલ હોસ્પિટલ આવેલી હોવાથી હર હંમેશ માટે ત્યાં ભીડ રહેતી હોય છે. પરંતુ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી યાત્રિકો તેમજ સ્થાનિકોને સારવારની મુશ્કેલી પડતી હોય છે. 2014 માં દ્વારકા સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ રૂપિયા 4.7 કરોડના ખર્ચે અધતન બનાવવામાં આવ્યું હતું. હોસ્પિટલને અધતન સાધનો સાથે અપડેટ કરવામાં આવી હતી. પરંતુ કરોડોના ખર્ચે અને અધતન સામગ્રી હોવા છતાં દ્વારકાની સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. કારણકે અહીં છ ક્લાસ વન ડોક્ટરોની જગ્યામાં ફક્ત એક ડોક્ટર હાજર છે.
ક્લાસ ટુ ડોક્ટરની ચાર જગ્યા હોવા છતાં ફક્ત બે ડોક્ટર હાજર છે. એક એક્સરે ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, બાળકોના રોગના ડોક્ટર, સ્ત્રી રોગના ડોકટર તથા અન્ય જગ્યાઓ છેલ્લા છ વર્ષ થયાં ખાલી છે. કોરોના સમયે અહીં 200 તથા 250 લિટરના ઓક્સિજન પ્લાન્ટ સાથે 50 બેડની કોરોના દર્દીઓ માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે. પરંતુ ડોક્ટર ન હોવાથી દર્દીઓને દ્વારકાથી જામનગર દોઢસો કિલોમીટર દૂર જવું પડે છે. અહીં મોટું બંદર હોવાથી તથા યાત્રિકોનો ઘસારો રહેવાથી અનેક અકસ્માતમાં મોત પણ થતા હોય છે. પરંતું મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ દ્વારકામાં ડોક્ટર ન હોવાથી જામનગર સુધી જવું પડે છે. અહીના સ્થાનિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓએ ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી ડોક્ટરોની ફાળવણી થઈ નથી. જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.