અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે જો કે, હજુ સુધી મેધરાજા મનમુકીને વરસ્યા નથી. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં છુટો છવાયો વરસાદ થયો છે. જેથી લોકો બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં લગભગ 4.80 ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિમ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે, અમદાવાદમાં આગામી 10 જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહિવત્ છે.
રાજ્યમાં કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.81, દક્ષિણ ગુજરાતમાં 16.27, મધ્ય ગુજરાતમાં 14.85 અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા અત્યાર સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 122.14 મીમી એટલે કે 4.80 ઈંચ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 92.8 મીમી વરસાદ વરસ્યો છે. જે છેલ્લા 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2015 માં સૌથી વધુ સરેરાશ 115.2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ 28 મીમી વરસાદ 2016 માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ 2017 માં સરેરાશ 86.4 મીમી, વર્ષ 2018 માં સરેરાશ 65.2 મીમી, વર્ષ 2019 માં સેરાશ 89.6 મીમી અને વર્ષ 2020 માં સરેરાશ 73.2 મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ તેના નિયત સમય કરતાં 8 દિવસ વહેલું શરૂ થયું હતું.
વર્ષ 2015 માં સાબરકાંઠામાં સરેરાશ 207 મીમી અને અરવલ્લીમાં સરેરાશ 224 મીમી વરસાદ વરસ્યો હતો. જે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ રહ્યો છે. જ્યારે વર્ષ 2017 માં રસાબરકાંઠામાં સરેરાશ માત્ર 38 મીમી અને અરવલ્લીમાં સરેરાશ માત્ર 37 મીમી વરસાદ 7 વર્ષમાં સૌથી ઓછો વરસાદનો રેકોર્ડ રહ્યો છે. ચાલુ સિઝનમાં સાબરકાંઠામાં સરેરાશ 95 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 7 વર્ષમાં ત્રીજી વખત જૂનનો સૌથી ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે અરવલ્લીમાં સરેરાશ 68 મીમી વરસાદ 7 વર્ષમાં ચોથી વખત જૂનમાં ઓછો વરસાદ રહ્યો છે.