નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથી, તેવો દાવો અમિત શાહે કરીને ફરીથી નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કઈ હશે તે પ્રજા નક્કી કરશે, પરંતુ ગત ચૂંટણીમાં પ્રજાએ કોઈ પણ પાર્ટીને વિપક્ષનું લેવલ લોકસભામાં આવ્યું ન હતું. દેશ એક તરફી નરેન્દ્ર મોદીની સાથે સતત આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદી સામે વર્ષ 2002ને લઈને કાવતરુ ઘડાઈ રહ્યું છે, જો કે, સત્ય સામે આવશે, હજારો કાવતરાના સત્ય સામે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધારે મજબુત અને લોકપ્રિય બન્યાં છે.
તેમને ભારત જોડો યાત્રાને લઈને કહ્યું હતું કે, આગામી દિવસોમાં 3 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આ યાત્રાની કેટલી અસર થાય તે જોઈ શકાશે. પીએમ મોદીએ ઉત્તર-પૂર્વ અને ભારતના અન્ય રાજ્યો વચ્ચે જે દૂરી હતી તે દૂર કરી દીધી છે. ઉત્તર-પૂર્વના લોકો પણ માને છે કે, દેશના અન્ય નાગરિકો જેટલું સન્માન મળે છે. અન્ય રાજ્યના લોકો ઉત્તર-પૂર્વમાં જાય છે ત્યારે તેમને પણ યોગ્ય સન્માન મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં 16મી ફેબ્રુઆરી મતદાન યોજાશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ત્રણેય રાજ્યોની ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જીતની આશા પણ અમિત શાહે વ્યક્ત કરી હતી.