Site icon Revoi.in

રાજ્યમાં તલાટીઓની ભરતી માટે પરીક્ષા લેવાતી નથી, ઉમેદવારો રાહ જોઈને થાકી ગયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની વણઝાર છે. ત્યારે સરકાર દ્વારા પણ ભરતી પ્રકિયામાં ખૂબજ વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાઓ ખાલી પડી છે અને તેને લઈને ભરતી બહાર પાડવામાં આવી હતી અને જુલાઈમાં પરીક્ષા નિર્ધારિત થઈ હતી. જોકે કોઇને કોઇ કારણોસર પરીક્ષા પાછી ઠેલાતી આવે છે અને હવે ચૂંટણી પછી એટલે કે ફેબ્રુઆરીની આસપાસ જ ભરતીપ્રક્રિયા હાથ ધરાશે.એવું ઉમેદવારો માની રહ્યા છે.

રાજ્યના પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાઓની ભરતી જાહેર કર્યા બાદ હજારોના સંખ્યામાં શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ અરજી કરી હતી. જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારો મહિનાઓથી તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ પરીક્ષા પાછી ઠેલાતા ઉમેદવારો નિરાશ બની ગયા છે.  તલાટી ભરતીની પરીક્ષા મોડી થવાથી ફાયદાને બદલે નુકસાન વધુ થશે એવું ઉમેદવારો માની રહ્યા છે..

ઉમેદવારો ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ઘણા ઉમેદવારો પરીક્ષા પાછી ઠેલાતા  ડિપ્રેશનમાં આવી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં તૈયારી કરવા આવતા ઉમેદવારોને ખર્ચ વધે છે જ્યારે દીકરીઓ કે જે પહેલા રોજગાર અને પછી લગ્ન માટે પરિવારને મનાવી રહી છે તેમની સમસ્યા વધી છે. આમ ઉમેદવારો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામડાના ઘણા ઉમેદવારો તલાટી પરીક્ષાની તૈયારી અને કોચિંગ માટે શહેરોમાં આવ્યા છે. ઘણાબધા વિદ્યાર્થીઓ શહેરોમાં ભાડે રૂમ રાખીને પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. પણ પરીક્ષા ક્યારે લેવાશે તેનું કોઈ જ ઠેકાણું નથી. સરકાર બેરોજગારોની મશ્કરી કરી રહી હોય એવું ઉમેદવારોને લાગી રહ્યું છે.(file photo)