Site icon Revoi.in

‘ભારતની લોકશાહીમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી’,અલ્પસંખ્યકોના પ્રશ્ન પર PM મોદીનો કરારા જવાબ

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેમની મુલાકાતના બીજા દિવસે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે અને યુએસ પ્રમુખ જો બાઈડેને દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ પછી બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન અમેરિકન મીડિયાએ ભારતમાં લોકશાહી, માનવાધિકાર અને લઘુમતીઓની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

વિદેશી પત્રકારએ પૂછ્યો આ સવાલ

મહિલા પત્રકારે પૂછ્યું, ‘લોકોનું કહેવું છે કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. એવી ઘણી માનવાધિકાર સંસ્થાઓ છે જેઓ કહે છે કે તમારી સરકાર ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે અને તેના ટીકાકારોને ચૂપ કરે છે. જેમ તમે અહીં વ્હાઇટ હાઉસમાં ઊભા છો, ઘણા વિશ્વ નેતાઓએ અહીં લોકશાહીની રક્ષા કરવાનું વચન આપ્યું છે. તમે અને તમારી સરકાર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓના રક્ષણ અને વાણી સ્વતંત્રતા જાળવવા માટે શું પગલાં લેવા માગો છો?’

પીએમ મોદીએ આપ્યો આ જવાબ  

આના પર વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે તમે કહો છો કે લોકો કહે છે… માત્ર લોકો કહે છે એવું નથી, પણ ભારત લોકશાહી છે. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે ભારત અને અમેરિકા બંનેના ડીએનએમાં લોકશાહી છે. લોકશાહી આપણો આત્મા છે.. લોકશાહી આપણી નસોમાં છે, આપણે લોકશાહી જીવીએ છીએ અને આપણા વડવાઓએ તેને બંધારણના રૂપમાં શબ્દોમાં રજૂ કર્યું છે. અમારી સરકાર લોકશાહીના મૂળભૂત મૂલ્યો પર બનેલા બંધારણના આધારે ચાલે છે.

માનવાધિકાર નહીં તો લોકતંત્ર નહીં  

‘અમે સાબિત કર્યું છે કે લોકશાહી ઉદ્ધાર કરી શકે છે. જ્યારે હું ઉદ્ધારની વાત કરું છું ત્યારે જાતિ, સંપ્રદાય, ધર્મ, લિંગ… કોઈપણ ભેદભાવને ત્યાં કોઈ સ્થાન નથી. જ્યારે તમે લોકશાહીની વાત કરો છો, ત્યારે જો માનવીય મૂલ્યો ન હોય, માનવતા ન હોય, માનવ અધિકાર ન હોય તો તે લોકશાહી જ નથી. જ્યારે તમે લોકશાહીની વાત કરો છો, ત્યારે તમે તેને સ્વીકારો છો, તેની સાથે જીવો છો. પછી ભેદભાવનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી જ ભારત ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ ના મૂળભૂત સિદ્ધાંતો સાથે ચાલે છે.

ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથીઃ પીએમ મોદી

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “ભારતમાં સરકારના લાભો બધા માટે ઉપલબ્ધ છે… જે પણ તેને લાયક છે… દરેકને તે મળે છે. તેથી, ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ધર્મ, જાતિ, વય અને ક્ષેત્રના આધારે કોઈ ભેદભાવ નથી.