પાકિસ્તાનના કરાંચીમાં કબ્રસ્તાનમાં મૃતદેહ દફનાવવા નથી જગ્યા, જૂની કબર તોડીને ઉપર બનાવાય છે નવી
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં હાલ કબ્રસ્તાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જગ્યા નહીં મળતી હોવની ફરિયાદો ઉઠી છે. કબ્રસ્તાનમાં ક્યાક જગ્યા બાકી હોય તો પણ માફિયાઓ સક્રિય છે અને મૃતકોને દફનાવવા માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલે છે. કરાચીમાં ઘણા એવા કબ્રસ્તાન છે જ્યાં પહેલાથી જ દફનાવવામાં આવેલા મૃતકોની કબરો તોડીને ત્યાં અન્ય લોકોના મૃતદેહોને દફનાવવામાં આવી રહ્યા છે. નવી કબરો બનાવવા માટે જૂની કબરોને તોડી નાખવામાં આવી રહી છે. અંદાજે બે કરોડની વસ્તી ધરાવતા શહેરમાં સ્મશાનમાં જગ્યાના અભાવે લોકોની મજબૂરી વધી છે. કર્મચારીઓની સહકારી હાઉસિંગ સોસાયટીની કબ્રસ્તાન પાંચ વર્ષથી સત્તાવાર રીતે ભરાઈ ગયું છે. સાથે સાથે કબર માફિયાઓના વર્ચસ્વને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરાચીમાં કબ્રસ્તાનમાં જૂની કબરોને તોડીને તેની જગ્યાએ નવી કબરો બનાવવામાં આવી રહી છે. કબ્રસ્તાનમાં ખોદકામ કરનારા ખલીલ અહેમદ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, આખા કરાચીમાં કોઈ જગ્યા નથી. જો નવી કબરો બાંધવી હોય તો જૂની કબરોને નષ્ટ કરવી પડશે. સત્તાવાર દફનવિધિની ફી રૂ. 7900 છે પરંતુ કેટલાક લોકોએ ગયા વર્ષે PECHS કબ્રસ્તાનમાં તેમના મૃત પ્રિયજનને દફનાવવા માટે રૂ. 55,000 અને રૂ. 175,000 ચુકવ્યા હતા. પાકિસ્તાનની વસ્તી લગભગ 22 કરોડ છે. દર વર્ષે દેશની વસ્તી ઝડપથી વધી રહી છે. દર વર્ષે વસ્તીમાં 4 મિલિયન લોકોનો ઉમેરો થઈ રહ્યો છે. જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. કરાચીની વસ્તી વધવાની સાથે કબર માફિયાઓનો ધંધો પણ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. કરાચી સિવાય લાહોર, પેશાવર સહિત અન્ય ઘણા શહેરોમાં પણ આ જ સ્થિતિ છે. કબ્રસ્તાનમાં જગ્યાની અછત અને સક્રિય કબર માફિયાઓને કારણે મૃતકોની છેલ્લી સ્મૃતિ સાચવવી એ લોકો સમક્ષ પડકાર બની ગયું છે.