Site icon Revoi.in

ગુજરાતમાં હાલ લોકડાઉનનું કોઈ આયોજન નથીઃ વિજય રૂપાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં ફરી એકવાર લોકડાઉનને લઈને ભય ફેલાયો છે. જો કે, હાલમાં લોકડાઉનની કોઈ વાત નહીં હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમજ તેમણે ગુજરાતની જનતાને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનું પાલન યોગ્ય થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને પણ આદેશ કરવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ દરરોજ સરેરાશ દોઢ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. હવે દરરોજ 3 લાખ લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. દરરોજ 60 હજાર લોકોનું ટેસ્ટીંગ થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષ કોરોના સામે જંગ ખેલ્યો, ફેબ્રુઆરીમાં 300થી ઓછા કેસ થઈ ગયા હતા. એટલે લોકો બેફીકર થઈ ગયા હતા. હવે 1150 કેસ સુધી પહોંચી ગયા છીએ એટલે ઢીલાશ ચાલે નહીં. સરકારે હોસ્પિટલો અને સારવારની વ્યવસ્થા વધારી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તો કોરોનાને મ્હાત આપીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વ્યવસ્થા હતી. તેવી જ વ્યવસ્થા કરાઈ છે. અત્યારે 6 હજાર બેડ વધાર્યાં છે. કોરોનાના જેટલા પોઝિટિવ કેસ હોય તેનાથી છ ગણા બેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમ કેસ વધે તેમ બેડ વધારવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવાનો નિર્ણય કરાયો છે. સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે. સરકારના મંત્રીઓની આજે બેઠક મળવાની છે તેમાં સ્કૂલ અને કોલોજ અંગે નિર્ણય લેવામાં આવશે. ગૃહ અને આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે કે કડકાઈથી નિયમોનું પાલન કરવામાં આવે.. ભીડ ભેગી થાય છે તેને નિયંત્રિત કરવામાં આવશે. હાલ લોકડાઉનની કોઈ વાત નથી. જેથી લોકોએ ભય રાખવાની જરૂર નથી.