ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત, કાંઠા વિસ્તારોમાં પવન ફુંકાશે
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા મેધરાજાનું આગમન થયું છે. અને અત્યાર સુધીમાં સરેરાશ 68.98 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં કચ્છમાં 86.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા, મધ્ય ગુજરાતમાં 50.73 ટકા, સૌરાષ્ટ્રમાં 78.34 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આમ સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. વરસાદને કારણે રાજ્યના 47 ડેમો 100 ટકા ભરાયા છે. જ્યારે 70 ટકાથી વધુ 40 જળાશયો ભરાયા છે. 21 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે.42 જળાશયો 25 ટકાથી 50 ટકા સુધી ભરાયા છે. તેમજ 56 જળાશયો 25 ટકા ભરાયા છે. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. જોકે હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત્ છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહિવત્ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહ્યા છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. તદુપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.