ગુજરાતમાં ખાતરની ક્યાંય તંગી સર્જાઈ નથીઃ રાઘવજી પટેલ
- કૃષિમંત્રી જામનગરની મુલાકાતે
- કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ ફાળવણી કર્યાનો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં ખાતરની અછતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે. જેની ઉપર રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે પૂર્ણવિરામ મુકીને કોઈ અછત નહીં હોવાનું જણાવ્યું હતું. રાજ્યને જરૂરિયાત અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ફાળવવામાં આવ્યું હોવાનો કૃષિમંત્રીએ દાવો કર્યો હતો.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, યુરિયા ખાતરની ક્યાંય પણ તંગી સર્જાઈ નથી. ખાતરની અછત લીધે ખેડૂતોના પાકને નુકશાન થાય તેવું પણ થયુ નથી. જરૂરિયાત મુજબ યુરિયા ખાતર કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયુ છે. સ્થાનિક કક્ષાએ ખાતરની અછતને લીધે ખેડૂતો અને વિતરકો વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હશે અને એક-બે દિવસ માટે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોય શકે, પરંતુ ખાતરની અછત રાજ્યમાં નથી. ખાતરની અછતનો પ્રશ્ન ઊભો થશે, તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.