અમદાવાદઃ ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીને બચાવવામાં વનવિભાગ સદંતર નિષ્ફ્ળ ગયું છે,અને તેવો પ્રશ્ન પૂછાતા ખુદ કેન્દ્રીય વનતંત્રએ જ ગૃહમાં જવાબ આપ્યો હતો કે નલિયા સ્થિત ઘોરાડ અભ્યારણ્યમાં ૧ જાન્યુઆરીની સ્થિતિએ એક પણ પક્ષી નથી.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલયને ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે, કચ્છ ઘોરાડ અભયારણ્યમાં 1લી જાન્યુઆરીની સ્થિતે કેટલા ઘોરાડ છે?, પવનચક્કી અને વીજલાઇનથી ઘોરાડ મૃત્યુ પામે છે તે બાબત સત્ય છે? અને જો આ હકીકત છે તો સરકારે આ બાબતે શું પગલાં લીધા છે. આ મુદ્દે પર્યાવરણ,વન મિનિસ્ટર ઓફ સ્ટેટ અશ્વિની કુમાર ચોબેએ ઉત્તર આપતા લેખિતમાં જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં 1લી જાન્યુઆરી 2021ની સ્થિતિએ એક પણ ઘોરાડ નથી.જેથી બાકીના બે પ્રશ્નો આપમેળે અનુત્તર થઇ ગયા હતા.નોંધનીય બાબત છે કે,ઘોરાડ અભયારણ્યની સ્થાપના 1992માં થઇ હતી. નલિયાથી 15 કી.મી અને ભુજથી 110 કી.મી દુર આવેલા આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ઘોરાડ અહિયાં જ જોવા મળે છે. ડિસેમ્બર 2019માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની 18મી બેઠકમાં રાજ્યમાં માત્ર કચ્છમાં જોવા મળતી અલભ્ય પક્ષીની પ્રજાતિ ઘોરાડ અને ખડમોર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રીડીંગ સેન્ટર પી.પી.પી ધોરણે ઉભું કરવા ડી.પી.આર,સ્થળ નિયત કરીને સર્વે વહેલી ત્વરાએ હાથ ધરવા વનવિભાગને સૂચન કર્યું હતું. આ સાથે ખાસ કરીને કચ્છમાં ઘોરાડ પક્ષીને હાઈટેંશન વીજવાયરોથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવા હેતુસર વીજલાઇન અંડરગ્રાઉન્ડની સંભાવના ચકાસવા પણ જણાવ્યું હતું.આ મુદ્દો હજુ સુધી હવામાં જ રહી ગયો છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, મારા પ્રશ્નનો જવાબ હકીકતથી જુદો આપ્યો છે, હું આ મુદ્દે ફરીથી અલગ પ્રશ્ન પૂછીશ. ઘોરાડ વૈશ્વિક દ્રષ્ટિએ દુર્લભ પક્ષી છે અને ક્ચ્છ માટે ગૌરવનો વિષય છે. હાલ જયારે તેઓ દુનિયામાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે અને તેનું સંરક્ષણ થવું જોઈએ,નહીંતર ધીમેધીમે ઘોરાડનો નાશ થઇ જશે.