શું વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલશે.. ? રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે ફોડ પાડ્યો નથી..પરંતુ કોંગ્રેસ સાંસદોએ માંગ કરી છે કે રાહુલ ગાંધી લોકસભામાં બજેટ પર પોતાની સ્પીચ આપે.
રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલી શકે છે. કોંગ્રેસના સાંસદોનું માનવું છે કે રાહુલે લોકસભામાં સંબોધન કરવું જોઈએ, વિપક્ષના નેતા તરીકે તેમના સંબોધનની મોટી અસર પડશે. જો કે રાહુલ ગાંધીએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી.
અગાઉ, કોંગ્રેસના લોકસભા સાંસદો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સંસદના વિશેષ સત્ર દરમિયાન બોલી ચૂક્યા છે, તેથી તેઓ માને છે કે તેઓના દરેક વખતે બોલવાના બદલે અન્યને પણ એક-એક કરીને બોલવું જોઈએ..
રાહુલ ગાંધીએ મંગળવારે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટને લઈને શાસક ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ‘ભારતના સંઘીય માળખાની ગરિમા’ પર હુમલો છે.
ફેસબુક પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘આ બજેટ ભારતના સંઘીય માળખાની ગરિમા પર હુમલો છે – સત્તા બચાવવાના લોભમાં દેશના અન્ય રાજ્યોની ઉપેક્ષા અને ભેદભાવ કરવામાં આવ્યો છે.’ બીજી તરફ રાહુલ ગાંધીએ શુક્રવારે સંસદ સંકુલમાં બજેટ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધન દ્વારા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સંક્ષિપ્તમાં બોલતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સામે ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. ગૃહમાં વિપક્ષના નેતા તરીકે, તેમણે કહ્યું કે સીતારમણના ભાષણમાં માત્ર બે રાજ્યો માટેના પ્રોજેક્ટનો ઉલ્લેખ છે.. ખડગેએ કહ્યું કે આવું બજેટ ક્યારેય રજૂ થયું નથી. જેડીયુ અને ટીડીપીના સમર્થન પર નિર્ભર ભાજપની આગેવાનીવાળી સરકારને બચાવવા માટે આવું કરવામાં આવ્યું છે.