સુરતના કાપડ માર્કેટમાં મંદી હતી, ત્યાં હવે કોરોનાના ડરથી પરપ્રાંતના વેપારીઓ પણ આવતા નથી
સુરતઃ શહેરમાં કાપડ માર્કેટ મોટુ ગણાય છે. રાજ્યના તમામ શહેરોના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત આવતા હોય છે. ઉપરાંત પરપ્રાંતના અનેક વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે માર્કેટ યાર્ડની મુલાકાતે આવતા હોય છે. દિવાળી બાદ લગ્નગાળાની સીઝનમાં પુરતી ઘરાકી ન નીકળતા વેપારીઓ મંદી હોવાનું કહી રહ્યા હતા. ત્યાં હવે કોરોનાના ડરને કારણે પરપ્રાંતના વેપારીઓ પણ સુરત આવવામાં ડર અનુભવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં કોરોનાએ કહેર વર્તાવ્યા બાદ કોરોનાનો નવો વેરીયન્ટ દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાવો કરી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર સફાળી જાગી છે. કોરોના સામે લડવા માટે કડક નિર્દેશો અમલમાં મૂકાઇ શકે છે. એવામાં ફરી એક વખત વેપાર-ધંધાને માઠી અસર પહોંચાવાની શક્યતા છે. કોરોનાના ડર વચ્ચે ચાલુ સપ્તાહે કાપડ માર્કેટમાં બહારગામના વેપારીઓની સંખ્યા એકદંરે પાંખી જોવા મળી હતી. દિવાળી બાદથી કાપડ માર્કેટમાં મંદીનો માહોલ છવાયેલો છે એવામાં ફરી એક વખત કોરોનાનું ભૂત ધૂણતા માર્કેટમાં ખરીદીને અસર પહોંચી શકે છે તેમ વેપારી સંગઠનોનું માનવું છે. તાજેતરમાં જ મિલ માલિકો દ્વારા પેમેન્ટ મામલે કડક ધારાધોરણ અમલમાં મૂકાયા બાદ વેપારીઓએ મંદીનો રાગ આલાપ્યો હતો, એવામાં કોરોનાના ફરી આગમનથી વેપારી આલમ મૂંઝવણમાં મૂકાયા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે. સામાન્યત: સંજોગોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં લગ્નસરાની ખરીદી માટે બહારગામના વેપારીઓ ડિસેમ્બરના અંતમાં આવતા હોય છે. પરંતુ આ વખતે વેપારીઓની હાજરી જોવા મળી નથી. એ પાછળ ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી અને કોરોના હોવાનું લાગી રહ્યું છે. અનેક વેપારીઓનું માનવું છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ બજારમાં જે પ્રકારનો માહોલ હતો તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ઠંડી અને કોરોનાથી સુરત કાપડ માર્કેટ જાણે શુષ્ક બન્યું હોય તેવું ભાસી રહ્યું છે. ઉત્તરાયણ બાદ શરૂ થનારી લગ્નસરાને લઇને માર્કેટમાં નવી ડીઝાઇનોના કેટલોગ અનેક વેપારીઓ બહાર પાડતા હોય છે. અનેક વેપારીઓએ ફ્રેશ કેટલોગ લોન્ચ કર્યા છે. જોકે, બહારગામના વેપારીઓ બજારમાં ઉપસ્થિત ન હોવાથી કેટલાક વેપારીઓએ ઓનલાઇન ઓર્ડર મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં બધા વેપારીઓને સફળતા સાંપડી નથી. મોટા વેપારીઓનું માનવું છે કે ચીન કે બીજા દેશની માફક કોરોનાની મોટી લહેરની સંભાવના નથી. આમ છતાં હાલમાં રિટેલમાં વેપાર વધવાના ઉજળા સંજોગો જણાતા નથી જે આગામી દિવસોમાં પેમેન્ટ સાયકલને વધુ મુશ્કેલ બનાવી શકે છે.