પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર
પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત વિરોધ પક્ષોની બેઠકમાં એક ડઝનથી વધુ પક્ષોના 32 થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે સાથે મળીને લડવાનો સંકલ્પ કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં વડાપ્રધાન પદ પર કોઈ ચર્ચા થઈ નથી. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ સાંપ્રદાયિક શક્તિઓને ઉશ્કેરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી.તેની પણ ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે સત્તા પર બેઠેલા ભાજપના લોકો દ્વારા સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવી એ કોઈપણ સમાજ માટે હાનિકારક છે અને બેઠકમાં આવી બાબતોને કેવી રીતે નિયંત્રિત કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ એકતાની બેઠકને લઈને ભાજપના નેતાઓએ કરેલા નિવેદન અંગે પણ શરદ પવારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
આગામી વર્ષો લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપા દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને વધારે મજબુત કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો પણ એક સાથે મળીને ભાજપા સામે ચૂંટણી જંગમાં જંપલાવવાનું આયોજન કરી રહ્યાં છે.