દિલ્હીમાં એક વર્ષમાં ભૂકંપના 51 જેટલા આંચકા નોંધાયાં
દિલ્હીઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેકવાર ભૂકંપના આંચકા આવે છે. એટલું જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. દરમિયાન શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં એક વર્ષના સમયગાળામાં ભકંપના 51 જેટલા આંચકા નોંધાયાં છે.
દિલ્હીમાં શુક્રવારે સવારે ધરા ધ્રુજી હતી. લગભગ 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ગત 17મી ડિસેંબરે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2ની નોંધાઈ હતી. આવા આંચકામાં જાનમાલની હાનિ થતી નથી પરંતુ લોકોના મનમાં એક પ્રકારનો ડર બેસી જાય છે. છેલ્લા એક વર્ષમાં દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઓછી તીવ્રતાના 51 આંચકા નોંધાયા હતા. આ આંચકા કોઇ આવનારી મોટી આપત્તિનું સૂચન હતું કે એવી વાતો આમ આદમી કરતા થઇ ગયા હતા.
નિષ્ણાતોના મતે મોટા ભૂકંપ સામે ટકી રહે એવી સુરક્ષણ વ્યવસ્થા દિલ્હીનાં મકાનોમાં આજથી શરૂ કરી દેવી જોઇએ. અત્યારે બિલ્ડીંગ એસેસમેન્ટ કરી લેવાનો સમય પાકી ગયો છે. છેલ્લા છ માસમાં વીસ આંચકા આવ્યા હતા એનો અર્થ એ છે કે આપણે આવનારી મુશ્કેલી સામે ટકી રહેવાનાં પગલાં લેવાની શરૂઆત કરી દેવી જોઇએ.