દેશમાં 2030 સુધીમાં 5 કરોડ ઈ-વ્હીકલ હશે,KPMGએ કહ્યું- ચાર્જિંગ કંપનીઓ માટે મોટી તક
- ભારતમાં ઈ-વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે
- દેશમાં 2030 સુધીમાં 5 કરોડ ઈ-વ્હીકલ હશે
- KPMGએ કહ્યું- ચાર્જિંગ કંપનીઓ માટે મોટી તક
મુંબઈ:દેશના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની કુલ સંખ્યા 2030 સુધીમાં 5 કરોડ સુધી પહોંચી જશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ કંપનીઓ માટે આ એક મોટી તક હશે. કન્સલ્ટન્સી ફર્મ કેપીએમજીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે,ભારતમાં ઈ-વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે.આ વાહનો ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.આ જ કારણ છે કે ગત નાણાકીય વર્ષમાં EVનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે.
હાલમાં, વેચાણમાં વૃદ્ધિ ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને બસ સેગમેન્ટમાંથી આવી રહી છે. રિપોર્ટ અનુસાર માર્ચ 2022 સુધીમાં ભારતીય રસ્તાઓ પર ઈ-વાહનોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ હતી. આ સંખ્યા 2030 સુધીમાં 4.5-5 કરોડ સુધી પહોંચી શકે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,હાલમાં દેશભરમાં લગભગ 1,700 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન છે, જે EV વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતા નથી.
ચાર્જિંગ બિઝનેસમાં વૃદ્ધિની સંભાવના અંગે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટુ-વ્હીલર સેગમેન્ટ 2025 સુધીમાં 15-20 ટકાના દરે વૃદ્ધિ પામશે. 2030 સુધીમાં તેમાં વધુ 50-60 ટકાનો વધારો થઈ શકે છે. ખાનગી પેસેન્જર વાહનો માટે ચાર્જિંગ બિઝનેસ 2025 સુધીમાં 8-10 ટકા અને 2030 સુધીમાં 35-40 ટકા વધવાની ધારણા છે. ફોર વ્હીલર કોમર્શિયલ વાહનોમાં 2025 સુધીમાં 15-20 ટકા અને 2030 સુધીમાં 60-65 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે.