રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટની બેઠક પર કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાનું નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવારના નામની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતારશે. અગાઉ ના પાડયા બાદ પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને લીધે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. ત્યારે આ તકનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને મનાવવા રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ધાનાણીના નિવાસસ્થાને પહોંચ્યું હતું. જ્યાં 150થી વધુ લોકો લલિત કગથરાની આગેવાનીમાં આવ્યા હતા. તેમની વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન લલિત કગથરાએ જણાવ્યું કે, જો પરશોત્તમ રૂપાલા ટિકિટ બદલે તો પરેશ ધાનાણી નહીં લડે. પરશોત્તમ રૂપાલા અંગે જે વાતાવરણ બન્યું છે તેનો લાભ લેવા માટે અમે તેમને કહી રહ્યા છે અને આમાંથી કોંગ્રેસ ઉભી થાય તેમ છે. જો પરશોત્તમ રૂપાલાને બદલવાની વાત આવે તો અમે સામેથી તમને કહીશું કે પરેશભાઇ તમારે લડવાનું નથી.
લલિત કગથરાએ જણાવ્યું કે, રાજકોટના તમામ આગેવાનો એક થઇને પરેશ ધાનાણી પાસે એક વાત કરવા આવ્યા છે. કુદરતી કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી, જે વાતાવરણ સર્જાયું છે, આવામાં તમામનો મત એવો છે કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ઉતારો. એટલે અમે તમામ કાર્યકરો અહીં આવ્યા છે. અમે પરેશભાઇને કહેવા આવ્યા છે કે, ભાજપ તેના અભિમાનથી તેમનો ઉમેદવાર ન બદલાવે તો રાજકોટ બેઠક પરથી ઉમેદવારી કરો. અમે આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઇ આટલા બધા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં. ભાજપ ઉમેદવાર નહીં બદલે તો પરેશભાઇ રાજકોટથી ચૂંટણી લડશે અને લડશે જ, એ વાત અમે અહીંથી નક્કી કરીને જઇ રહ્યા છે.