દેશમાં 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટા ફેરફાર
નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે તેને બે મહિના લંબાવી 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. નવા નિયમ અનુસાર, સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા માટે રજીસ્ટ્રેશન પણ જરૂરી રહેશે. વેપારીઓના પોલીસ વેરિફિકેશનની સંપૂર્ણ જવાબદારી ટેલિકોમ ઓપરેટરની રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમોની અવગણના કરીને સિમ વેચશે તો તેના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સરકારે વેરિફિકેશન માટે વેપારીઓને 12 મહિનાનો સમય આપ્યો છે.
નવા નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક તેના જૂના નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવા માંગે છે, તો તેના પર પ્રિન્ટ કરાયેલ QR કોડને સ્કેન કરીને તેનો ડેમોગ્રાફિક ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. નવા નિયમ મુજબ હવે સિમ કાર્ડ જથ્થાબંધ જારી કરવામાં આવશે નહીં. સરકારે આ માટે બિઝનેસ કનેક્શનની જોગવાઈ શરૂ કરી છે. જો કે, તમે પહેલાની જેમ એક આઈડી પ્રૂફ પર 9 સિમ કાર્ડ ખરીદી શકો છો. આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાનું સિમ કાર્ડ બંધ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય ગ્રાહકને આપવામાં આવશે. નવા નિયમ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ, કૌભાંડ અને ફ્રોડ કોલને રોકવાના ઉદ્દેશ્યથી સરકારે સિમ કાર્ડ માટે નવા નિયમો જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે ફ્રોડ કોલ રોકવા માટે લગભગ 52 લાખ કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. આટલું જ નહીં કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સિમ વેચનારા 67 હજાર ડીલરોને સરકારે પ્રતિબંધિત કરી દીધા છે.