નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને સુકાની રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટેની સંભવિત 15-સભ્ય ટીમને લઈને દિલ્હીમાં અનૌપચારિક બેઠક યોજે તેવી શક્યતા છે. વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે. રિપોર્ટ જણાવ્યા અનુસાર, અગરકર શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ જોવા માટે સ્પેનથી ખાસ દિલ્હી આવ્યા હતા, જેથી તેમને કેપ્ટન રોહિત સાથે વાતચીત કરવાની તક મળી શકે અને અંતિમ ટીમ પસંદ કરતા પહેલા આ મુદ્દે ચર્ચા કરી શકે.
રિપોર્ટ અનુસાર મેચ બાદ બંનેની મુલાકાત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમની જાહેરાત 1 મેના રોજ થઈ શકે છે, જે દિવસે સમયમર્યાદા પૂરી થશે. ટીમની જાહેરાત પહેલા જ અગરકર અને રોહિત વચ્ચે બીજી મુલાકાત થઈ શકે છે. તે બેઠકમાં ચોક્કસપણે નિર્ણય લેવામાં આવશે. આ બેઠક સોમવારે થઈ શકે છે. મુંબઈની આગામી મેચ 30 એપ્રિલે લખનૌ સામે એકાના સ્ટેડિયમમાં છે. ટીમમાં કેટલીક જગ્યાઓ અને ખેલાડીઓ અંગે ચર્ચા કરવાની જરૂર છે. આમાં સૌથી મહત્વની બાબત છે હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ. જો હાર્દિકને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળે છે તો શિવમ દુબે અને રિંકુ સિંહમાંથી કોઈ એકને જ સ્થાન આપવામાં આવી શકે છે. વિકેટકીપર માટે રિષભ પંતની સાથે સંજુ સેમસન અને લોકેશ રાહુલના નામ પર ચર્ચા કરાશે.. પંતની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે.
ફાસ્ટ બોલિંગ અને સ્પિનરોને લઈને પણ વસ્તુઓ સ્પષ્ટ નથી. જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે, પરંતુ IPLમાં અનુભવી મોહમ્મદ સિરાજનું પ્રદર્શન સારું રહ્યું નથી. અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ટીમના ત્રીજા સ્પિનર માટે સ્પર્ધા થશે. સારી બેટિંગ કૌશલ્યને કારણે અક્ષરનો દાવો વધુ મજબૂત છે. અહેવાલો અનુસાર, ચહલ કેટલાક ટોચના કોચિંગ સ્ટાફની પ્રથમ પસંદગી નથી.
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, ‘સારા પ્રદર્શન છતાં સંજુ સેમસનની પસંદગી પર શંકા યથાવત્ છે. રિષભ પંતની પસંદગી નિશ્ચિત છે, જ્યારે કેએલ રાહુલ બીજા વિકેટકીપર તરીકે સામેલ થઈ શકે છે. શિવમ દુબેની પણ પસંદગી થશે તે લગભગ નિશ્ચિત છે. પંત આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કાર અકસ્માત પછી પાછા ફરતા, તેણે તેની પ્રથમ ટુર્નામેન્ટમાં બેટ સાથે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી તેણે 10 મેચમાં 46.38ની એવરેજ અને 160.60ની સ્ટ્રાઈક રેટથી 371 રન બનાવ્યા છે. હાલમાં તે ઓરેન્જ કેપ રેસમાં ચોથા સ્થાને છે.
ICC T20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વચ્ચે કો-હોસ્ટિંગમાં રમાશે. આ ટુર્નામેન્ટ 1લી જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ પછી 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.