Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2024માં મોદી વિરુદ્ધ મોદી વચ્ચે જંગ જામશેઃ કપિલ સિબ્બલ

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને લગભગ 26 વિપક્ષી પક્ષોનું ભારતીય રાષ્ટ્રીય વિકાસાત્મક સમાવેશી ગઠબંધન બન્યું છે. તમામ વિપક્ષી પક્ષો ભાજપને લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. દરમિયાન આ ગઠબંધનના પીએમ કોણ હશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલએ કહ્યું કે, I.N.D.I.A.ના પીએમ પદના ઉમેદવાર કોણ હશે તે મહત્વનું નહીં રહે, કેમ કે આગામી 2024ની લોકસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ મોદી વચ્ચે હશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપ એક અર્થશાસ્ત્રીની સાક્ષાત્કારનો અભ્યાસ કરશો તો તેઓ કહે છે કે, વર્ષ 2024માં ચૂંટણી મોદી વિરુધ્ધ મોદી વચ્ચે હશે. પીએમ મોદીની સરકારે 10 વર્ષમાં ક્યાં ક્યાં કાર્ય કર્યાં છે. જનતા ભાજપાના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના મોટા-મોટા દાવાની હકીકત જાણે છે અને નરેન્દ્ર મોદી દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કાર્યો કેન્દ્રમાં રાખવામાં આવશે. જે મોટા-મોટા દાવા કરે છે તેનું કોઈ પરિણામ નીકળતુ નથી, આવી સ્થિતિમાં વિપક્ષી દળોના ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર છે કે નહીં તેનાથી કોઈ ફર્ક પડતો નથી, આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સામે તેમના કરેલા કામ હશે.  

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષી પક્ષો ભાજપાની આગેવાનીવાળા એનડીએને પરાજીત કરવા માટે એક છત નીચે એકઠા થયાં છે. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ કોઈ પણ ગઠબંધનમાં જોડાવવાનો ઈન્કાર કર્યો છે.