Site icon Revoi.in

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોડાણ કરાશેઃ ઈસુદાન ગઢવી

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશમાં ભાજપ સામે 26 જેટલી પાર્ટીઓનું ગઠબંધન કરાયુ છે. જેમાં આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થાય છે. જોકે આ ગઠબંધનમાં સામેલ પક્ષોએ કઈ કઈ બેઠકો પર સમજુતી કરાશે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી ત્યારે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરાશે. અને બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. એવી જાહેરાત ગુજરાત પ્રદેશના આપ’ના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી હતી.

AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં વિવિધ બેઠકો પર અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયો છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. અને તેથી જ વડાપ્રધાનથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી  કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડશે.  નવા ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતવામાં ફાંફા પડશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત ભાજપમાં જે આંતરિક ચરુ ઉકળીને બહાર આવી રહ્યો છે. એવી વાત વહેતી થઈ છે કે વિવિધ યુનિવર્સિટીઓનાં ટેન્ડરોથી લઈ જમીન કૌભાંડોમાં ભાજપના નેતાઓનાં નામ ઊછળ્યાં હોવાની ચર્ચા છે, જેમાં રાજીનામાં પણ પડ્યાં છે. જોકે રાજીનામાં પડવા એ પક્ષની આંતરિક બાબત છે. પત્રિકાકાંડ બાબતે નામ લીધા વિના તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે પત્રિકાકાંડ બાદ રાજીનામાં પડ્યાં છે. સત્તાનો દુરુપયોગ થયો છે. કૌભાંડો થયાં છે. કોણે કેટલી મલાઈ ખાધી છે એ તમામ બાબતોની નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ.  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દેશની સુરક્ષા અને આતંકવાદીઓને પકડવાનું કામ છે, પરંતુ એક નેતાની અરજીમાં બીજા નેતાને ઉપાડી જઇ પૂછપરછ કરાય છે. ત્યારે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે વિપક્ષના નેતાને પણ ફસાવવો હોય તો એક ફોન કરી દેવામાં આવે છે. SOGએ સમગ્ર બાબતે ખુલાસો કરવો જોઈએ.