અમદાવાદઃ ગુજરાતમાં આગામી 20 જૂન બાદ મેઘરાજાની વાજતેગાજતે પધરામણી થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દિવમાં 30થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલ બન્યા પહેલાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા માંડ્યું છે. જેના કારણે બફારો અને ઉકળાટ વધ્યો છે. તૌકતે વાવાઝોડાના પગલે પડેલા ભારે વરસાદના પગલે રાજકોટ અને સુરેન્દ્રનગર સિવાયના રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન હજુ સુધી 40 ડિગ્રીથી નીચે નોંધાયું છે. આ વર્ષે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડુ અને વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને પગલે મે મહિના દરમિયાન તાપમાન એક પણ વખત 43 ડિગ્રીને પાર ગયું નથી.
મે મહિનામાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધ્યુ ના હોય તેવું એક દાયકામાં પ્રથમવાર બન્યું છે. તાઉ-તે વાવાઝોડાને કારણે મે મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સાધારણ રહ્યું હતું. દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન પર નજર કરવામાં આવે તો દર વખતે પારો 43ને પાર ગયો છે. 2016માં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યાં હતાં. 20મી મે 2016ના રોજ 48 ડિગ્રી સાથે ઓલટાઈમ હાઈ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. આ સિવાય 2017માં 43.6, 2018માં 44.8, 2019માં 44.3 અને 2020માં 44.1 ડિગ્રી સાથે સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું.