Site icon Revoi.in

ગુજરાતમાં એક સપ્તાહ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ટાઢાબોળ પવન ફુંકાશે

Social Share

અમદાવાદઃ  ઉત્તર-પૂર્વિય ટાઢાબોળ પવનને લીધે ગુજરાત ઠંડીમાં લપેટાયું છે. રાજ્યમાં હજુ 24 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. બાદમાં 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહશે, એટલે કે આકાશ સાફ જોવા મળશે. આ ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનું તાપમાન યથાવત્ રહેશે. હાલ જે કડડકડતી ઠંડી પડી રહી છે એ 7 દિવસ સુધી યથાવત્ રહેશે

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વિય ઠંડા પવનો ફુંકાય રહ્યા હોવાથી લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. શુક્રવારે વાતાવરણ વાદળછાંયું રહેશે. ત્યારબાદ એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થાય એવા એંધાણ વર્તાતા નથી. જોકે હાલમાં ઉપરી સ્તરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે વાદળછાયું વાતાવરણ છે, પરંતુ આ વાદળો વરસાદ લાવશે નહિ. બે દિવસ બાદ વાદળો ખસતાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટી પણ શકે છે.

અમદાવાદમાં ગુરૂવારે લઘુતમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું તથા શહેરનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. આગામી 24થી 48 કલાકમાં પણ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે રવિવાર સુધીમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે, પરંતુ સામાન્ય રીતે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર થશે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ કહ્યું હતું કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં અને રાત્રિના તાપમાનમાં વધુ ફરક ન હોવાને કારણે ઠંડી વધુ લાગતી હોય છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફક્ત 10 ડિગ્રી જેટલો તફાવત હોવાને કારણે દિવસનું તાપમાન ઓછું રહેવાથી ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. આ ઉપરાંત પવન ફૂંકાવાને કારણે ઠંડીની અસર વધુ રહે છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. આગામી 7 દિવસ હજુ હાલ જે તાપમાન છે એ યથાવત્ રહેશે. દિવસનું તાપમાનમાં ઘટાડો થયો છે.