રાજયમાં હજુ બે દિવસ સામાન્ય માવઠું અને ત્યારબાદ કડકડતી ઠંડીનો શરૂ થશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે બીજીબાજુ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચામાસા જેવો માહોલ ઊભો થયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 61 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પલટાયેલુ વાતાવરણ વાયરલ બીમારીઓ પણ વકરાવશે એવું લાગી રહ્યુ છે. રાજ્યમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો બીજી બાજુ માવઠાના મારનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ 48 કલાક માવઠું પડી શકે છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે, આવતીકાલે 8મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ઠંડી વધશે. અને, બે દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજયમાં વરસાદની ફરી આગાહીને કારણે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. આગામી તા. 9થી 13 જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ 16થી 18માં ફરી વાતાવરણ પલટો આવી શકે છે. રાજ્યમાં વાદળછાંયા વાતાવરણને લીધે વાયરલ બીમારીઓમાં પણ વધારો થાય તેવી દહેશત છે. (file photo)