SBI, HDFC સહિતની આ બેંકોએ ડેડલાઇન વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે સીનીયર સિટીઝનને વધુ વ્યાજની ભેટ
મુંબઈ : કોરોના સંકટની વચ્ચે મે 2020 માં સીનીયર સીટીઝનને રાહત આપતા બેંકોએ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. તેની ડેડલાઇન 30 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી હતી. ઘણી બેંકોએ આ સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડાએ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.
SBI, HDFC Bank, ICICI Bank અને બેંક ઓફ બરોડાએ સીનીયર સીટીઝન માટે સ્પેશિયલ એફડી સ્કીમ શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કીમ માટેની અંતિમ તારીખ 30 જૂન સુધી હતી. આ યોજનાઓમાં સિનિયર સિટિઝનોને સામાન્ય એફડી કરતા વધારે વ્યાજ મળે છે. સામાન્ય રીતે દરેક બેંક સીનીયર સીટીઝનને વધારે વ્યાજ દર આપે છે. સ્પેશિયલ એફડીમાં વધારાના વ્યાજ દરનો લાભ તે વ્યાજ દર પર આપવામાં આવી રહ્યો છે.
ખરેખર, કોરોના મહામારી દરમિયાન જ્યારે વ્યાજના દરમાં ઘટાડાનો સમયગાળો શરૂ થયો હતો, ત્યારે તેની બચત યોજનાઓના વ્યાજ દરને પણ અસર થઈ હતી. આ જ કારણ છે કે, ઘણી બેંકોએ સીનીયર સીટીઝન માટે સ્પેશિયલ એફડી સ્કીમ્સને લોન્ચ કરી. આ નિયત થાપણ પાંચ કે તેથી વધુ વર્ષો માટે છે.