નવરાત્રીનો પર્વ આજથી શરૂ થયો છે અને આ 9 દિવસોમાં દેવીની પૂજા કરવામાં આવશે. શક્તિના પ્રતિક એવા આ તહેવારને દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશના ઘણા શહેરોના નામ દેવી દુર્ગા અને તેમના અવતારોના નામ પરથી રાખવામાં આવ્યા છે, આજે આ લેખમાં આપણે એવા જ પ્રખ્યાત શહેરો વિશે જાણીએ.
મુંબા દેવીઃમુંબઈ શહેરનું નામ મુંબા દેવી મંદિર પરથી પડ્યું છે.મુંબા દેવીનું મંદિર જવેરી બજાર પાસે આવેલું છે.આ મંદિર ઘણું જૂનું છે અને લગભગ 500 વર્ષ પહેલા મહા અંબા દેવીના માનમાં બનાવવામાં આવ્યું હતું.
શ્રીનગર: લોકો ઘણીવાર વેકેશન ગાળવા માટે શ્રીનગર જાય છે. શ્રીનગરનું આ નામ પણ દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ શહેર શારિકા દેવી મંદિરમાં પ્રગટ થયેલા શ્રી ચક્રના સ્વરૂપમાં શ્રી અથવા લક્ષ્મી દેવીનું ઘર છે.
ત્રિપુરા: એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે,ખૂબ જ સુંદર ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરાનું નામ પ્રાચીન ત્રિપુરા સુંદરી મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મંદિર અગરતલાથી લગભગ 55 કિલોમીટરના અંતરે એક ટેકરી પર આવેલું છે
ચંડીગઢઃ બહુ ઓછા લોકો જાણતા હશે કે ચંડીગઢના સુંદર શહેરનું નામ ચંડી દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે.અહીં ચંડી દેવીનું મંદિર છે.સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં આ મંદિરનું ઘણું ધાર્મિક મહત્વ છે.
પટના: પૌરાણિક કથાઓ અનુસાર- પટના એ સ્થાન છે જ્યાં દેવી સતીની જમણી જાંઘ પડી હતી. આ સ્થાન પર દેવી દુર્ગાના રૂપમાં પાટણ દેવીના માનમાં મંદિર બનાવવામાં આવ્યું હતું.