ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી
અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના બંધ મકાન ઉપર ત્રાટક્યાં હતા. તેમજ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડીને અંદર ઘુસ્યાં હતા. તેમજ અંદરથી રોકડ તથા દાગીના મળીને લગભગ એક કરોડની કિંમતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બિલ્ડર પરિવાર ઘરે પરત આવ્યો ત્યારે મકાનનું તાળુ તુટેલું જોઈને ચોંકી ઉઠ્યો હતો. એટલું જ નહીં મકાનની અંદર તિબોરી અને કબાટના દરવાજા પણ તુટેલા હતા અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનો નોંધીને એફએસએલ અને ડોગસ્કવોડની મદદથી તપાસ આરંભી હતી.