ગાંધીનગરના વલાદ શાળામાં ચોર ત્રાટક્યા, વિદ્યાર્થીના પ્રવાસ માટે ભેગા કરેલા 10.91 લાખ ઉઠાવી ગયા
ગાંધીનગરઃ જિલ્લાના વલાદ ગામમાં આવેલી આધારશીલા સ્કૂલનાં તાળા તોડી તસ્કરો રૂપિયા 10 લાખ 91 હજાર રોકડા, તેમજ ચાંદીના આઠ સિક્કા મળીને કુલ રૂ. 10.97 લાખની મત્તા ઉઠાવી જતાં શાળા દ્વારા ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે કચ્છના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી દીઠ 5200 લેખે 200 વિદ્યાર્થીઓ પાસેથી કુલ. 10 લાખ 40 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. આમ વિદ્યાર્થીઓના પ્રવાસ માટે એકઠા કરેલા નાણાની ચોરી થતાં શાળાના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આ કેસની વિગતો એવી છે કે, ગાંધીનગરના વલાદ ગામની આધારશિલા શાળામાં મેનેજમેન્ટનું કામ કરતાં ગોવિંદ મણીલાલ રાવલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં એવી હકિકત જણાવી છે. કે, રવિવારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં સ્કુલના કંપાઉન્ડમાં રાઉન્ડ મારી તેઓ સૂઇ ગયા હતા. સોમવારે સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે સ્કુલના સિકયુરીટી ગાર્ડ રતનસિંહે તેમને ફોન કરીને જાણ કરેલી કે, સ્કૂલની ઓફિસોનાં તાળા તૂટયાં છે. આ સાંભળી પોતે (ગોવિંદકુમાર) સફાળા જાગીને સ્કૂલ ઓફિસે દોડી ગયા હતા. અને જોયું તો સ્કુલના મેનેજીંગ ડીરેકટર, એકાઉન્ટ, ટ્રસ્ટીઓ તેમજ પીઆરઓ ઓફિસોનાં ઇન્ટર લોક તુટેલ હતા. આથી વધુ તપાસ કરતા પાછળના ભાગે આવેલા સી.બી.એસ.સી. એડમીન ઓફિસનુ પણ લોક તુટેલ હતુ. તેમજ મેનેજીંગ ડીરેકટરની ઓફીસની તિજોરી પણ તુટેલ હાલતમાં બહાર પડી હતી. આ બનાવની જાણ કરતા સ્કૂલના એમડી કે ડી પટેલ સહિત શાળાનો અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા એમડીની ઓફિસમાંથી 10 લાખ 20 હજાર 800 રોકડા, CBSC વિભાગની ઓફિસમાંથી 26 હજાર રોકડા, એકાઉન્ટ વિભાગમાંથી 25 હજાર ઉપરાંત અગાઉ સ્કૂલમાં યજ્ઞ કરેલો તે સમયે સ્ટાફને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા. જેમાથી બચેલા છ નંગ સિક્કા પણ તસ્કરો ચોરી ગયા હોવાનું માલુમ પડયું હતું. ચોરીના આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ વલાદની આધારશિલા સ્કૂલ દ્વારા વિધાર્થીઓને આગામી 8,12 અને 16 માર્ચના રોજ કચ્છનાં પ્રવાસે લઈ જવાનું આયોજન કરાયું હતું. જે અન્વયે સ્કૂલ દ્વારા 5200 લેખે બસ્સો વિધાર્થીઓ પાસેથી કુલ રૂ. 10.40 લાખ ઉઘરાવવામાં આવ્યા હતા. જ્યારે બીજા પૈસા સ્કૂલના હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.