અમદાવાદ: કોરોનાકાળ પછી દેશમાં મોટાભાગના વેપાર-ધંધાને ભારે ઝટકો લાગ્યો છે. ધંધાદારી લોકો પોતાના વેપારને ટકાવી રાખવા મોટા પડકારનો સામનો કરી રહ્યા છે અને વસ્તુઓના ભાવ ઓછા કરીને પણ ધંધા ચલાવી રહ્યા છે. ત્યારે મારુતિ સુઝુકી કંપનીએ પોતાની ગાડીના ભાવ વધાર્યા છે.
મારુતિ સુઝુકી કંપનીના પગલે ચાલવા જઈ રહેલી કંપની નિસાન ઈન્ડિયાએ પણ પોતાની કારની કિંમતોમાં ટુંક સમયમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે.
આ બાબતે નિસાન કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે કાચા માલની કિંમતમાં વધારાને લીધે, તે આગામી મહિનાથી તેની સંપૂર્ણ ઉત્પાદન શ્રેણીના ભાવમાં વધારો કરશે. નિસાન અને ડેટસનના તમામ મોડેલોની કિંમતો 1 એપ્રિલ, 2021 થી વધશે.
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે, “અમને નિસાન અને ડેટસનના તમામ મોડેલોની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી છે. વિવિધ મોડેલો માટે આ વધારો અલગ હશે અને અમે ભારતીય ગ્રાહકો માટે હજી પણ શ્રેષ્ઠ કિંમત ઓફર કરી રહ્યા છીએ. જો કે, કંપનીએ હજી સુધી કહ્યું નથી કે કયા મોડેલની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે.
કોરોનાવાયરસ મહામારી પછી લોકો પોતાના વાહનોમાં સલામત રીતે ફરવાનું વિચારી રહ્યા છે. જાણકારો અનુસાર આગામી સમયમાં આ પ્રકારની જોખમી મહામારીથી બચવા બજારમાં ગાડીઓની ડિમાન્ડ વધી શકે તેમ છે અને લોકો પોતાના જ વાહનો પર નિર્ભર થવાનું પસંદ કરી રહ્યા છે.
-દેવાંશી