ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ રહેવા લાયક છે કે કેમ? હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, અને કર્મચારીઓને સરકારી ક્વાટર્સ રહેવા માટે ફળવવામાં આવ્યા છે. અને વર્ષોથી કર્મચારીઓ સરકારી ક્વાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં ઘણા કવાટર્સ જર્જરિત બની ગયા છે. સેકટર 29માં એક કવાટર્સનું છજુ પડવાની ઘટના બાદ સરકારે તમામ કવાટર્સની હાલત અંગે રિપોર્ટ માંગ્યો હતો. હવે તમામ કવાટર્સમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવવામાં આવશે, અને સરકારી કવાટર્સ રહેવા લાયક છે. કે કેમ તેની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના તમામ સરકારી કવાટર્સમાં સાવચેતીના ભાગરૂપે અધિકારીઓ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. 5 દાયકા જૂનાં તમામ આવાસો ખરેખર રહેવાં લાયક છે કે નહીં તે બાબતે તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને પણ અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. દરમિયાન મહિના પહેલા સેક્ટર -29માં છજું પડી જવાની ઘટનામાં રહેવાસીનું મૃત્યુ થયાં બાદ તંત્ર પાસેથી સરકારે પણ તમામ આવાસ સંબધિત રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેથી કરીને તંત્રના અધિકારીઓ પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. હવે આગામી દિવસોમાં તમામ કવાટર્સનું તંત્ર થર્ડ પાર્ટી ઈન્સ્પેન્કશન કરાવવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટનગર યોજના વિભાગ દ્વારા નજીકના ભવિષ્યમાં જ ઈન્સ્પેક્શન કરતી એજન્સી રોકવામાં આવશે, જે આવાસો ખરેખર રહેવાં લાયક છે કે કેમ, આ ઉપરાંત આવાસના પાયાથી લઈને તેના સંપૂર્ણ બાંધકામ સંબધિત ચકાસણી કરાશે. જેથી કરીને બાંધકામ સમયે આવાસમાં વપરાયેલ લોખંડ તેમજ અન્ય સામાનની ગુણવત્તા હાલના સમયે કેટલી ટકાઉ છે. તે બાબતેની ચકાસણી કરવામાં આવશે. તંત્ર દ્વારા એજન્સી નક્કી થઈ ગયા બાદ અંદાજીત એક થી બે માસ સુધીના સમય દરમિયાન ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન બાદ કેટલાં આવાસો રહેવાં લાયક છે કે નહી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલના તબક્કે તંત્રના અઘિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિઝ્યુઅલ સર્વે કરીને આવાસ સંબધીત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેના માટે સત્તાધીશો દ્વારા તમામ સેક્શન ઓફિસર સહિતના કર્મચારીઓને પણ કામે લગાડી દેવામાં આવ્યાં છે.