ગુજરાતમાં ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભઃ CM રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી રસી
અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભ થયો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી હોસ્પિટલમાં રસી લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કાના રસીકરણનો આજથી શુભારંભ થયો છે. સમગ્ર રાજ્યની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ગાંધીનગર નજીક ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ રસીપુર્ણ રીતે સુરક્ષીત છે. તેમજ તેની કોઇ આડઅસર નથી. 60 વર્ષથી વધારે વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ જરૂર અને સમયસર લે.