સુરતઃ નાતાલના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અને નવા વર્ષ 2022ના આગમન અને વર્ષ 2021ની વિદાય થશે. નવા વર્ષને આવકારવા માટે શહેરના ઘણાબધા લોકો દીવ,દમણ કે દાદરાનગર હવેલી પર દરિયાના બીચ પર જતા હોય છે. કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જૂના વર્ષને અલવિદા કહેવા માટે તથા નવા વર્ષના સ્વાગત માટે પીવા અને પાર્ટીના શોખીનો દીવ, દમણ, દાદરા નગર હવેલી પહોંચી જતા હોય છે. જોકે, આ વર્ષે આ પ્રકારનો કોઈ પ્લાન બનાવ્યો હોય તો તે માથે પડવાનો છે. કારણ કે, દીવ-દમણમાં રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દીવ,દમણના દરિયા કિનારે નવા વર્ષના સ્વાગતની પાર્ટીનો પ્લાન બનાવનારા ગુજરાતીઓને ઝાટકો મળ્યો છે. કારણ કે ડિસેમ્બરના અંત સુધી દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ઓમિક્રોમ વેરિયન્ટ અને કોરોનાના કેસને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા કોરોનાના કેસને અટકાવવા માટે લેવાયેલા આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે પરંતુ તેની સીધી અસર સ્થાનિક વેપારીઓ અને હોટલના માલિકો પર પડી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2020માં પણ નવા વર્ષની ઉજવણી સામાન્ય રહી હોવાથી આ વર્ષે કેટલાક હોટલના માલિકો દ્વારા સારી તૈયારી કરવાનું આયોજન કર્યું હતું. જોકે નાઈટ કરફ્યુના કારણે પ્લાનમાં ફેરફાર કરવો પડશે. આલ્કોહોલ, સારી વ્યવસ્થાઓ રાખનારી હોટલ, રિસોર્ટ અને અન્ય આકર્ષણોના કારણે પ્રવાસીઓ અહીં ખેંચાઈ આવતા હોય છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યોના પ્રવાસીઓ પણ દીવ, દમણ અને સેલવાસામાં નવા વર્ષની પાર્ટી માટે આવી પહોંચતા હોય છે.
દમણના હોટલ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે રાતના 11થી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હોવાથી મોટી પાર્ટીઓનું આયોજન શક્ય નથી. લોકોએ કર્ફ્યૂના કલાકો શરુ થાય તે પહેલા પાર્ટીનું સ્થળ છોડીને પોતાની હોટલમાં પહોંચવું પડશે ક્યાં તો દમણ છોડીને બહાર જવું પડશે. સમયમાં થોડી છૂટછાટ આપવા માટે અમે સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરી છે. જો અમે 1 વાગ્યા સુધીનો સમય મળી જાય તો લોકોને ઊજવણી કરવાની તક મળી શકશે. દમણ અને સેલવાસામાં નવા વર્ષની શરુઆત પહેલા 24 ડિસેમ્બરથી પાર્ટીઓની શરુઆત થઈ જતી હોય છે, જે અઠવાડિયા સુધી ચાલે છે. આવા સમયે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે અને તેના લીધે ટુરીસ્ટ પ્લેસ પર વ્યવસાય કરતા લોકોને સારી આવક થતી હોય છે.