બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ,દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, બ્રિટન અને યુરોપીય સંઘ સામેલ છે.
આજના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક જોડે મુલાકાત કરી હતી તથા સાથે જ સેનેગલના રાષ્ટ્રપતિ મેઇકી સેઈલને પણ મળ્યા હતા. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોની પણ મુલાકાત કરી હતી. બેઠકના પહેલા સત્રમાં જી-20ના નેતાઓ વચ્ચે ખાદ્ય અને શક્તિ સુરક્ષા અંગે ચર્ચા થઇ હતી. જયારે ૧૧-૩૦ વાગ્યે શરુ થયેલા બીજા સત્રમાં આરોગ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. લગભગ અઢી વાગ્યે મોદી ઇન્ડોનેશિયામાં વસેલા ભારતીય સમુદાયના લોકોને મળવાના છે.