રાજકોટ: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી, આ દિવસ તમામ ભારતીયો માટે એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ લઈને આવતો હોય છે. આ દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આ તહેવારની ઉજવણી વિશે તો તે કોઈનું પણ મનમોહિત કરી દે તે રીતે થાય છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ વિશે તો ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
જો વાત કરવામાં આવે જુનાગઢની તો અહીંયા ગજરાજ પર ભગવાનની સવારી સાથે શિવ મહાવિવાહ સહિત 40 આકર્ષણ ફ્લોટ્સ સાથે બપોરે 3 વાગ્યે ઉપરકોટ નજીક રામચંદ્રજી મંદિરથી શોભાયાત્રા નીકળશે, જે દિવાન ચોક, માલીવાડા, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક થઈને જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિરે સંપન્ન થશે.
વાંકાનેરમાં 8-30 વાગ્યે જડેશ્વર રોડ પર ફળેશ્વર મહાદેવ મંદિરથી પરંપરાગત પૂજા અર્ચના બાદ મહારાજા કેસરીદેવસિંહજી તથા સંતો મહંતોની હાજરીમાં પ્રસ્થાન કરશે, રૂટ પર રાસગરબાની રમઝટ સાથે તલવાર રાસ અને હુડો રાસ પણ યોજાશે અને રાજમાર્ગો પર પસાર થઈ જીનપરા ચોકમાં ધર્મસભામાં પરિવર્તીત થશે. 37 વર્ષથી વાંકાનેરમાં શોભાયાત્રા નીકળે છે. જામકંડોરણામાં સવારે 8 વાગ્યે રામજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ પટેલ ચોક, ભાદરાનાકા, ગોંડલ રોડ, બસ સ્ટેશન, બાલાજી ચોક, પટેલ ચોક થઈ નગરનાકાએ પૂર્ણ થશે જેમાં પચાસ જેટલા વાહનોમાં આકર્ષક ફ્લોટ્સ જોડાશે.
રાજ્યના જામનગરમાં નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી શોભાયાત્રા નીકળશે, બજરંગદળમાં જોડાનાર યુવકેને ત્રિશુલ દિક્ષા અપાશે, હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, બર્ધન ચોક, ચાંદી બજાર સર્કલ, રણજીત રોડ, બેડીગેઈટ, ટાવર વિસ્તાર, ભંગાર બજાર થઈ હવાઈ ચોક ખાતે તે સંપન્ન થશે અને દરેક ચોકમાં મટકી ફોડ, પ્રસાદ વિતરણ સહિત કાર્યક્રમો યોજાયા છે.
પોરબંદરમાં સુદામા મંદિરે મટકી ફોડના કાર્યક્રમ, કેક કાપીને પ્રસાદી ભક્તોને અપાશે. રેલવે સ્ટેશન પાસે આવેલા ઈસ્કોન મંદિરમાં હિંડોળા દર્શન, સંકીર્તન, દિવ્ય કથા, છપ્પનભોગ સહિત કાર્યક્રમો યોજાયા છે. સાંદિપની શ્રી હરિમંદિર ખાતે સંત રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ઉજવાશે.
રાજકોટમાં મવડી ચોકડીથી સવારે નવ વાગ્યે સવાસો ફ્લોટ્સ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે બપોરે બે વાગ્યે પેડકરોડ પર સમાપન થશે. શહેરમાં ચોકે ચોકે નયનરમ્ય શણગાર, રોશની કરાઈ છે. રાત્રે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે.