Site icon Revoi.in

આ છે વિશ્વનું સૌથી ઊંચું ATM, રોકડ ઉપાડનારા પ્રવાસીઓનું કહેવું છે કે,જાણે ‘આકાશમાંથી પૈસા ઉપાડ્યા હોય..’

Social Share

આજકાલ તમને દરેક મુખ્ય ચોક પર એટીએમ સ્થાપિત જોવા મળશે. લોકોને રોકડ ઉપાડવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે દૂર દૂર એટીએમ બનાવીને લોકોનું જીવન સરળ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ એક એટીએમ છે જે પર્વતની ટોચ પર સ્થિત છે. આ વિશ્વનું સૌથી ઉંચુ ATM છે. અહીં પહોંચવા માટે વાદળોમાંથી પસાર થવું પડે છે. પરંતુ હજુ પણ તેમાંથી પૈસા ઉપાડવા લોકોની લાઈન લાગેલી છે.

આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આટલી ઊંચાઈએ વીજળી વગર આ ATM કેવી રીતે કામ કરે છે. વળી, લોકોને આ ATMમાંથી પૈસા ઉપાડવામાં આટલો રસ કેમ છે? તો ચાલો જાણીએ…

વિશ્વનું સૌથી ઊંચું આ કેશ મશીન (ATM) ચીન અને પાકિસ્તાન વચ્ચે ખંજરાબ પાસની સરહદ પર છે.પાકિસ્તાનના બરફથી ભરેલા પહાડોના આ વિસ્તારમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.તે પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે.

આવી સ્થિતિમાં, નેશનલ બેંક ઓફ પાકિસ્તાન (NBP)એ અહીં ATM સ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને વર્ષ 2016માં અહીં ATMની સ્થાપના કરવામાં આવી.વીજળીની સુવિધા ન હોવાને કારણે તેને ચલાવવા માટે સૌર અને પવન ઊર્જાની મદદ લેવામાં આવી હતી.4693 મીટરની ઉંચાઈ પર બનેલા આ ATMનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

એટીએમ મશીનનો ઉપયોગ નાગરિકો, સીમા સુરક્ષા દળો અને સરહદી વિસ્તારની નજીક રહેતા પ્રવાસીઓ કરી રહ્યા છે. આ સાથે તે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આ એટીએમમાંથી પૈસા ઉપાડનારા ઘણા પ્રવાસીઓએ કહ્યું કે તેમને એવું લાગ્યું કે જાણે તેમણે ‘આકાશમાંથી પૈસા ઉપાડ્યા’ હોય. પ્રવાસીઓ આ એટીએમની મુલાકાત લેવાનું સન્માન માને છે અને અહીંથી પૈસા ઉપાડવાની તસવીરો ક્લિક કરીને તેમને તેમની યાદોમાં રાખે છે.

એટીએમની દેખરેખ રાખતી એક મહિલા અધિકારીએ જણાવ્યું કે,આ પ્રોજેક્ટ પૂરો કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો છે.અહીંથી સૌથી નજીકની NBP બેંક 87 કિલોમીટર દૂર છે.ખરાબ હવામાન, મુશ્કેલ પર્વતીય માર્ગો અને ભૂસ્ખલનનો સામનો કરીને, બેંકર્સ પૈસા ઉપાડવા માટે આ ATM પર જાય છે.તેમણે જણાવ્યું કે અહીંથી સરેરાશ 15 દિવસમાં 40-50 લાખ રૂપિયા ઉપાડવામાં આવે છે.