રાજકોટ: સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી.
આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે ન હતું પણ આખરે, તા.09 નવેમ્બર, 1947 ના રોજ વિધિવત રીતે જૂનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું હતુ.
વાત એવી છે કે જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા કરેલા નિર્ણયએ જૂનાગઢની આઝાદી માટે એક અન્ય સંઘર્ષને આમંત્રણ આપ્યું. એ સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના દ્રષ્ટાન્ત પરથી જૂનાગઢની આઝાદી માટે “આરઝી હકૂમત”ની સ્થાપના કરવામાં આવી. ગાંધીજીના આ બાબત પરના શબ્દો કે, ‘જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ!’ આરઝી હકૂમતને સંકલ્પ બળ પુરું પાડનારા બન્યાં.
આ દરમિયાન આરઝી હકૂમત અને લોકસેનાની જરૂરિયાતો તેમજ અન્ય આવશ્યકતા માટે સરદાર પટેલે સતત માર્ગદર્શન પુરુ પાડ્યું. સ્થાનિક આગેવાનોના સહકારથી આરઝી હકૂમતે જૂનાગઢના 106 ગામો પર કબજો મેળવ્યો. આ સાથે જૂનાગઢની આઝાદી વધુ સુનિશ્ચિત થતી જતી હતી. નવાબને હવે સંજોગો પોતાના પક્ષે ન લાગતાં તા.24 ઓક્ટોબર, 1947 ના રોજ પોતાનાં પરિવાર સાથે પાકિસ્તાન જવાં રવાના થયાં.
આરઝી હકૂમતે સૌથી પહેલું કામ લશ્કર અને શસ્ત્રો સાથેની સેના “આઝાદ જૂનાગઢ ફૌજ”ની રચનાનું કર્યું. જે ‘લોકસેના’ તરીકે પણ ઓળખાતી હતી.
એ દિવસે સાંજે પાંચ વાગ્યે સૈન્ય મજેવડી દરવાજામાંથી પ્રવેશ કરીને ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ઉપર ગયું, ત્યાં જઈને ભારતનો ધ્વજ લહેરાવ્યો અને જૂનાગઢ પાકિસ્તાનથી આઝાદ થયું.
તા.13 નવેમ્બર, 1947 ના રોજ સરદાર પટેલે જૂનાગઢ ખાતે પ્રત્યક્ષ રીતે લોકોની ઈચ્છાની ખાતરી કરી. રાજાશાહીને બદલે લોકશાહીની સ્થાપનાનો વિશ્વાસ અપાવ્યો. જે પછી તા.20 ફેબ્રુઆરી, 1948 ના રોજ જનમત સંગ્રહ દ્વારા 99% લોકોએ ભારતમાં જોડાવા માટે સંમતિ આપી અને જૂનાગઢનાં લોકમતનો વિજય થયો.